Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ખંભાળિયા પાલિકાની કઠણાઇ : બાર મહિનામાં દસ ચીફ ઓફિસર બદલાયા

ઇન્‍ચાર્જથી ગબડાવાતા ગાડાના કારણે ખોરવાતો વહીવટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા.૨૬ :  પાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસર મુકાયા નથી હાલ એક વર્ષના સમયગાળામાં દસમા ચીફઓફિસરે પોતાનો ચાર્જ સંભાળ્‍યો છે, પાલિકાના ચીફ ઓફિસર તરીકે છેલ્લે એ.કે, ગઠવી લાંબો સમય પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી અને બદલાયા બાદ મુકવામાં આવેલા ચીફ ઓફિસર કોઈ કારણોસર પાલિકામાં લાંબો સમય ટકી શકયા નથી, આટલું જ નહીં, ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર પણ કોઈપણ કારણસર અહીંથી ચાર્જ છોડીને જતા રહે છે, તાજેતરમાં ઓખામાં મુકવામાં આવેલા છે ઓફિસર પંડ્‍યાને  પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્‍યો હતો, ત્‍યારે હાલ તેમને પણ અહીંનો ચાર્જ મુકાવી અને જામજોધપુરના ચીફ ઓફિસર રાઘવજીભાઈ પટેલને અહીંના ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્‍યા છે. જેણે પોતાનો ચાર્જ સંભાળ્‍યો છે.

 આમ, છેલ્લા આશરે એક વર્ષના સમયગાળા દરમિયાન બે કાયમી તથા આઠ ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર બદલાઈ ચૂકયા છે. ઇન્‍ચાર્જ ચીફ ઓફિસરને પાલિકાના સદસ્‍ય દિલીપભાઈ ઘઘડા, સાથે હિતેન્‍દ્રભાઈ આચાર્ય, ઈમ્‍તિયાઝખાન લોદીન, કારૂભાઈ માવડીયા સહિતના આગેવાનો તેમજ સ્‍ટાફ દ્વારા આવકારવામાં આવ્‍યા છે, ખંભાળિયા શહેરના ખોરંભે ચડેલા વિકાસ કાર્યો અને ખોરવાતા વહીવટ વચ્‍ચે નવા મૂકવામાં આવેલા આ ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર અહીં કેટલો સમય ટકશે અને ખંભાળિયા નગરપાલિકાને કાયમી ઓફિસર કયારે મળશે તે જોવું રહ્યું.

(1:28 pm IST)