Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

વિસાવદરના તમામ મતદારોનો પાલિકાએ અકસ્‍માત વીમો ઉતરાવ્‍યો : ઐતિહાસિક નિર્ણય

બજેટ બેઠકમાં પ્રજાલક્ષી નિર્ણય : શહેરના ૧૫૪૮૬ મતદારોમાંથી કોઇપણ વ્‍યકિતનું અકસ્‍માતે મૃત્‍યુ થાય તો તેના પરિવારજનોને મળશે રૂપિયા એક લાખ : પાલિકા પ્રમુખ વાઘેલા - ઉપપ્રમુખ ડોબરીયા પર સાર્વત્રિક અભિનંદન વર્ષા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૬ : વિસાવદર નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં સૌ પ્રથમવાર વિસાવદર શહેરના તમામ મતદારોનો નગરપાલિકા દ્વારા અકસ્‍માત વીમો ઉતરાવવામાં આવ્‍યો છે. વિસાવદર શહેરમાં મતદાર યાદીમાં નામ ધરાવતા ૧૫૪૮૬ મતદાર માંથી કોઈપણ વ્‍યક્‍તિનું મૃત્‍યુ થાય તેવા કિસ્‍સામાં વીમાકંપની દ્વારા મૃત્‍યુ પામનારના વારસદારોને એક લાખની રકમ ચૂકવવામાં આવશે.
વિસાવદર નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના વિવિધ વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બજેટ બેઠકમાં વિસાવદર શહેરીજનો માટે નવી યોજના બનાવવામાં આવી છે. જેમાં વિસાવદર શહેરમાં મતદાર યાદીમાં નામ ધરાવતા તમામ લોકોનો અકસ્‍માત વીમો ઉતારવામાં આવ્‍યો છે. જેમાં નગરપાલિકા દ્વારા ખાનગી કંપની સાથે આ અંગેનું એમઓયુ કરવામાં આવ્‍યું છે.
જેમાં વીમા કંપનીને વિસાવદર નગરપાલિકા એક વ્‍યક્‍તિ દીઠ ૨૨ રૂપિયા વીમાના પ્રીમિયમ પેટે ચૂકવ્‍યા છે. વિસાવદર નગરપાલિકા દ્વારા શહેરના મતદારોના પ્રીમિયમ પેટે કુલ ૩૪૦૬૯૨ રુપિયા વીમા કંપનીને ચુકવી દેવામાં આવ્‍યા છે. અને આ યોજનાનો અમલ પણ શરૂ થઈ ગયો છે.આ અંગે નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા તથા ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયાએᅠ જણાવ્‍યું હતું કે, વિસાવદર શહેરની જનતા માટે આ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્‍યો છે અકસ્‍માતથી મૃત્‍યુ પામતા લોકોના પરિવારજનોને મદદ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્‍યો છે.
નગરપાલિકાના આ નિર્ણયમાં સત્તા પક્ષ ભાજપની સાથે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ આ મુદ્દાને સમર્થન આપ્‍યું હતું.સાથો સાથ બજેટ બેઠકમાં વિસાવદર શહેરના વિવિધ વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
વિસાવદર નગર પાલિકાનાં પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા,ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયા તથા તમામ નગરસેવકોએ આ ઐતિહાસિક પ્રજાલક્ષી નિર્ણય સર્વાનુમતે અમલી બનાવતા સમગ્ર શહેરમાં આ નિર્ણયને સૌએ આવકાર્યો છે.

 

(12:58 pm IST)