Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

વિંછીયા પીજીવીસીએલના નાયબ ઇજનેરની ૬૦ હજારના લાંચના છટકામાં ધરપકડઃ તેનો મિત્ર પણ પકડાયો

ડાયરેક્‍ટ લંગરીયા નાખી વિજચોરી કર્યાનો આરોપ મુકી ફરિયાદી પાસે ૨ લાખ લાંચ માંગી'તીઃ રકઝક બાદ ૬૦ હજારમાં નક્કી થયું: ઇજનેર ડી. કે. દાંતલાએ રકમ સ્‍વીકારી મિત્ર અજય ડાભીને આપતાં જ એસીબીની ટીમે પકડી લીધો : એસીબી રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ આર. આર. સોલંકી અને ટીમનું સફળ છટકુ

અજય ડાભી અને નાયબ ઇજનેર ડી. કે. દાંતલા

રાજકોટ તા. ૨૬: વિંછીયા પીજીવીસીએલના નાયમ ઇજનેરને રાજકોટ ગ્રામ્‍ય એસીબીની ટીમે રૂા. ૬૦ હજારની લાંચના છટકામાં આબાદ ઝડપી લેતાં ચકચાર જાગી છે. નાયબ ઇજનેરે લાંચની રકમ સ્‍વીકારી પોતાના મિત્રને આપતાં એસીબીની ટીમે બંનેની સામે કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.
જાણવા મળ્‍યા મુજબ વિયીયા પંથકના એક રહેવાસીને વિછીયા પીજીવીસીએલના નાયબ ઇજનેરે તે ડાયરેક્‍ટ તારમાં લંગરીયા નાંખી વિજચોરી કરી છે અને લિસ્‍ટમાં તારું નામ હોઇ તારા વિરૂધ્‍ધ કાર્યવાહી થશે અને તેમાં ગુનો દાખલ થશે તો પાંચ લાખનો દંડ તથા જેલની સજા પણ થશે તેવો ડર બતાવ્‍યો હતો.
ગભરાઇ ગયેલા ફરિયાદી પાસે બાદમાં ફીટ ન થવું હોય તો રૂા. ૨ લાખ આપી દેવા નાયબ ઇજનેરે લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદીએ પોતે મજૂરી કરતા હોઇ આટલી રકમ નહિ હોવાનું કહેતાં છેલ્લે રકઝક બાદ ૮૦ હજાર લાંચ માંગી હતી અને અંતે ૬૦ હજારમાં નક્કી થયું હતું.
ફરિયાદી લાંચ આપવા ઇચ્‍છતા ન હોઇ તેણે રાજકોટ ગ્રામ્‍ય એસીબીનો સંપર્ક કરતાં વિછીયાની જલજીત સોસાયટી ખાતે એસીબીની ટીમે છટકુ ગોઠવ્‍યું હતું. જેમાં નાયબ ઇજનેરે લાંચના રૂા. ૬૦ હજાર સ્‍વીકાર્યા હતાં અને પોતાની સાથે આવેલા મિત્રને આ રકમ આપી દીધી હતી. તે વખતે જ એસીબી પીઆઇ આર. આર. સોલંકી અને તેની ટીમે બંનેને રંગેહાથ દબોચી લઇ કાર્યવાહી કરી હતી.
પોલીસે પીજીવીસીએલના નાયબ ઇજનેર વર્ગ-૨ દેવેન્‍દ્ર ખુશાલસિંહ દાંતલા (ઉ.૪૨-રહે. હાલ સત્‍યજીત સોસાયટી વિછીયા, મુળ વતન બાસવાડા ડુંગરાબડા, સજ્જનગઢ રાજસ્‍થાન) તથા તેના મિત્ર અજય ઝવેરભાઇ ડાભી (ઉ.૨૮-ધંધો ખેતીવાડી, રહે. રેવણીયા રોડ, ચામુંડા મીલની બાજુમાં વિછીયા)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. એસીબીના ઇન્‍ચાર્જ મદદનીશ બી. એલ. દેસાઇના સુપરવિઝન હેઠળ પીઆઇ આર. આર. સોલંકી અને ટીમે બંને આરોપીને ડિટેઇન કર્યા હતાં. આગળની તપાસ રાજકોટ સીટી એસીબી પીઆઇ સરવૈયાએ હાથ ધરી છે.

 

(1:07 pm IST)