Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રેગિંગ મુદ્દે આદિપુરમાં કોલેજીયન વિદ્યાર્થીઓ બાખડયા : ત્રણને ઈજા

જાણીતી તોલાણી કોલેજમાં બસમાં અપડાઉન કરતાં છાત્રો વચ્‍ચે બબાલ

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૬ :  મુન્‍દ્રા થી આદિપુર તોલાણી કોલેજમાં ભણવા આવતા છાત્રોના બે જૂથ વચ્‍ચે બસમાં અપડાઉન દરમ્‍યાન ટપલા ટપલી કરી અને ચીડવવાના રેંગિગ મુદ્દે થયેલી બબાલ ઝઘડામાં પરિણમી હતી. આ મામલે મુન્‍દ્રાના બારોઈના કેતન દામજી દનીચાએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે બસમાં અવરજવર દરમ્‍યાન મુન્‍દ્રાના રામ ગઢવી અને માંડવીમાં મારાજ નામના વિદ્યાર્થીઓ જાતિ અપમાનિત કરી, અપશબ્‍દો બોલી, ટપલી કરી તેમને ચીડવતા હતા. આવું ન કરવાનું તેમને કહેતાં તલવાર તેમ જ છરી જેવા ઘાતક હથિયારો વડે રામ ગઢવી, ઋષિ આહીર, અંકિત આહીર, રાધે ગોસ્‍વામી, દેવુભા જાડેજા અને મારાજ નામના યુવાનોએ તેમને તથા  તેમના અન્‍ય બે મિત્રો કલ્‍પેશ નારાણ માતંગ અને ધ્રુવ ભરત ચંદેને ઈજાઓ પહોંચાડી હતી. આમ ત્રણેય છાત્રોને થયેલ ઈજાઓ સબંધે છ જણ વિરૂદ્ધ એટ્રોસીટી સહિત મારી નાખવાની ધમકી અંગે વિવિધ કલમો તળે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, સામે પક્ષે ફરિયાદ નોંધાઇ નથી. તો, બન્ને જૂથ વચ્‍ચે સમાધાન થાય તેવા પ્રયત્‍નો પણ મોવડીઓએ હાથ ધર્યા છે.

 

(11:55 am IST)