Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કાલે વિશ્‍વ રંગભુમિ દિવસઃ સોમનાથમાં નાટકનો પડદો પડદો ઇ પડયો...

એ સમયે ખૂબ જ નાટકો ભજવાતાઃ જુદા-જુદા વિસ્‍તારો નાટક માટે ખાસ સ્‍થળ બની ગયા'તા

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા.૨૬: યુનેસ્‍કોએ ૧૯૪૮માં ઇન્‍ટર નેશનલ થીએટર ઇન્‍સ્‍ટીટયુટ સ્‍થાપના કરી અને તેના નવમા પ્રમુખ આર્વીકિવીમાએ ૨૭ માર્ચે આખી દુનિયા દર વર્ષે વિશ્‍વ રંગભૂમિ દિવસ ઉજવે એમ નક્કી કર્યુ. સને ૧૯૬૨ થી આ દિવસ ઉજવાતો થયો.

સોમનાથ મહાદેવનું પાવનકારી નગર પ્રભાસ-પાટણ રંગભૂમિના જાજરમાન જાહોજલાલીભર્યો એક યુગ હતો જે આજે ભૂતકાળનું પાનુ બની ગયો છે.

ગોંડલના ઇતિહાસરસિક વિનોદ રાવલ કહે છે ‘જુનાગઢ નવાબી શાસન વેળા ૧૮૮૦ની સાલમાં પ્રભાસપાટણમાં ‘પ્રભાસ આર્ય ઉધ્‍ધારક નાટક મંડળી સ્‍થપાઇ હતી. આ નાટય મંડળી ધાર્મિક-આધ્‍યાત્‍મિક વિષયોવાળા નાટકો ભજવતી.'

સોમનાથના ભાસ્‍કર વૈદ્ય કહે છે ‘પ્રભાસ-પાટણમાં શંકર વિજય સંગીત સમાજ નામની નાટય સંસ્‍થા હતી. જેના પ્રણેતા કરાંચીવાળા અને હાલ સ્‍વર્ગસ્‍થ ભુદેવ લાભશંકરભાઇ મહેતા હતા. કે જેઓ સોમનાથની જનતાને પ્રેરણાદાયક - સંસ્‍કાર - બોધલક્ષી નાટકો ધરી પ્રજાને મનોરંજન સાથે સમાજ સુધારાનો સંદેશો પણ આપતા.

તે સમયના પ્રખ્‍યાત નાટકોમાં ‘વિનાશના વહેણ' ‘બે સુરી વીણા, સંસાર ચિત્રા' વિગેરે હતાં જે નાટકોમાં અમારા સ્‍વર્ગસ્‍થ પિતાજી ભગુભાઇ વૈદ્યે પણ જાનદાર - પ્રાણવાન એવો કરૂણ અભિનય આપેલ કે દર્શકોની આંખમાંથી હડ્‍ હડ્‍ આંસુડાઓ વહી રહેતાં.

પ્રભાસના આ નાટકો શંભુભાઇ દેસાઇનો ડેલો, દરબારનો ડેલો, તલાટી ઓફિસ સામેનો ડેલો, ડોકટર તન્‍નાના દવાખાના પાછળનો ડેલો, વેરાવળ મેમણ જમાન ડેલો એવા કેટલાય સ્‍થળોલ રંગભૂમિના સુર્વણ યુગના સાક્ષી રહ્યા હતાં. જયાં આજે નાટકો આવતા પણ નથી અને આવવાનાયે નથી.

બહારગામથી કેટલીયે મંડળીઓ સોમનાથ આવતી અને નાટકો ભજવતી હતી.નાટકના ગીતો ઉપર વન્‍સમોરો મળતા, પૈસાઓ ઉછળતા અને તે ગીતોની એભેરા બુક ઇન્‍ટરવેલમાં ફેરીયાઓ વેંચતા. રંગભૂમિની પ્રથમ હરોળમાં પગપેટીથી ચાલતુ હારમોનીયમ પડતા અને તે સમયે લાઉડ સ્‍પીકર ન હતા.

પ્રભાસના એક કલાકારે પોતાના પરિવારને નાટકો જોવા હોંશથી બોલાવ્‍યુ તે સમયે તેની જ પત્‍નિએ નાટકમાં પોતાના પતિને સ્‍ત્રી પાત્રમાં જોઇ ભર થીએટરમાં ઉભી થઇ ત્રાડી ઉઠી ‘કૂટ છે મુઆ, પુરૂષ થઇને બાઇ બન્‍યો છે.

જૂનાગઢના છેલ્લા નવાબ મહોબતખાનજી પણ નાટકના શોખીન હતા કે જેઓએ ઇ.સ.૧૯૩૭માં ભાયાવદર ગામે થીએટરમાં આગ લાગતા આ નાટક મંડળીને મોટુ નુકશાન થયેલ જેથી મહોબતખાનજીએ મણીભાઇ ભટ્ટને જૂનાગઢ બોલાવી રહેવા મકાન, ઘોડાગાડી અને પેન્‍શન બાંધી આપ્‍યુ અને બ્રાહ્મણ કલાકારોને નાની-મોટી નોકરીમાં રાખ્‍યા અને કર્વાટર આપ્‍યા, આવો હતો કલાપ્રેમ.

(11:46 am IST)