Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ચોટીલા ઠાંગાનાથ મહાદેવના પૂજારીએ સિંહ જોયા

સઘન સ્‍કેનીંગ ચાલુ છે, સિંહ અંગે હજુ કોઈ કડી મળી નથીઃ વનતંત્ર

    ચોટીલા, તા.૨૬:ચોટીલા ના ઠાંગા વિસ્‍તારમાં આવેલ ઠાંગાનાથ મહાદેવના પુજારી એ સિંહ જોયાની વન વિભાગને જાણ કરતા સમગ્ર તંત્ર આ વાતને લઈને કામે લાગેલ છે. પરંતું હજું સુધી વિસ્‍તારમાં સિંહ અંગે કોઇ સગડ કે કડી પ્રાપ્‍ત થયેલ નથી.
ચોટીલા પંથકમાં ૨૦૧૯મા બે સિંહ આવ્‍યાની ઘટના ઘટેલ થોડા સમય પુરતો વસવાટ પણ થયેલો અને અહીંયા જ આ સિંહને બેલ્‍ટ પહેરાવવામાં આવેલ ત્‍યારે રાજકોટના શાપરથી દરરોજ ઠાંગાનાથ મહાદેવની સેવા પુજા માટે આવતા પુજારી પોતે આ વીડી વિસ્‍તારમાં સિંહ જોયાનો દાવો વન વિભાગ સમક્ષ કરતા વન્‍ય કર્મીઓ દોડતા થયેલ છે.
ઠાંગા વિસ્‍તારમાં છેલ્લા બે દિવસથી વન વિભાગના ૧૫ જેટલા કર્મીઓની બે ટીમો આ વાત ને કારણે સમગ્ર એરિયામાં સ્‍કેનીંગ હાથ ધરેલ છે. જેને દાવો કર્યો છે તે પુજારી અને તેમના પત્‍ની બંન્‍ને સાથે હતા તેઓની સાથે પણ વાતચીત કરેલ છે તેમજ અનેક માલધારી અને ખેડૂતો ની પણ પુછતાછ કરી છે પરંતુ હજું સુધી તંત્રને કોઇ સગડ કે સુરાગ રૂપે સાવજ અંગેની કોઇ કડી મળેલ નથી પરંતું તંત્ર એલર્ટ છે સ્‍કેનીંગ ચાલું છે તેમ ડીસીએફ નિકુંજભાઇ પરમારે જણાવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા વિસ્‍તારમાં દિપડાની વસ્‍તી રહેલી છે ઠાંગા વિસ્‍તારમાં પણ દિપડા છે ત્‍યારે પુજારી સિંહ જ જોયાનું કથન કરતા હાલ પંથકમાં વનતંત્ર દોડતું થયેલ છે.

 

(11:03 am IST)