Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીમાં દેશી દારૂ બનાવવા માટેના ગોળનો વિશાળ જથ્થો ઝડપાયો.

એલસીબી ટીમે ત્રણ સ્થળે દરોડા પાડી રૂપિયા ૩.૧૭ લાખથી વધુના ગોળ સાથે એક આરોપીને ઝડપી લીધો : એક ફરાર

 મોરબીમાં બહોળા શ્રમિકવર્ગને કારણે દેશીદારૂનું દુષણ વકર્યું છે તો સામેપક્ષે છેલ્લા અઠવાડિયાથી પોલીસે પણ સમગ્ર જિલ્લામાં દેશીદારૂના પીઠ્ઠા ઉપર ધોંસ બોલાવી રહી છે તેવા સમયે જ મોરબી એલસીબી ટીમે ત્રાજપર નજીક દરોડો પાડી દારૂ બનાવવા માટેના ગોળનો વિશાળ જથ્થો ઝડપી લીધા બાદ આ વેપારીના અન્ય બે ગોડાઉન ઉપર દરોડા પાડી ૧૨૭૦ ડબ્બા ગોળ કિંમત રૂપિયા ૩,૧૭,૫૦૦નો જથ્થો કબ્જે કરી એક આરોપીને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે ઘુંટુ રોડ ઉપર ત્રાજપર નજીક આવેલ ભગવતી સેલ્સ એજન્સીમાં દરોડો પાડતા દુકાનમાંથી દારૂ બનાવવામાં વપરાતો દેશી ગોળનો વિશાળ જથ્થો મળી આવતા દુકાનના સંચાલક ભગીરથસિંહ સાહેબસિંહ જાડેજાને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા સ્વાગત ચેમ્બર અને શિવશક્તિ ચેમ્બરમાં મોટા પ્રમાણમાં ગોળનો જથ્થો સંગ્રહાયેલ હોવાની કબૂલાત આપતા પોલીસે અન્ય બે સ્થળે છાપો મારી ૧૨૭૦ ડબ્બામાં ભરેલ ૩૧૭૫૦ કિલોગ્રામ ગોળ કિંમત રૂપિયા ૩,૧૫,૫૦૦નો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં આરોપી ભગીરથસિંહ સાહેબસિંહ જાડેજાની પૂછપરછમાં ભગવતી સેલ્સ એજન્સીના માલિક ગોવિંદભાઇ વિશ્રામભાઇ ગઢવી હોવાનું કબુલતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં દુકાન માલિક ગોવિંદભાઇ વિશ્રામભાઇ ગઢવીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(10:54 am IST)