Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જસદણ તાલુકાના ગોડલાધારમાં ચાવ પરિવારના યજમાન પદે ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞ યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૬: અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ બ્રહ્માનંદ ધામ ચાપરડાના પરમ વંદનીય સંત પૂજય મુકતાનંદ બાપુ દ્વારા કોરોના મહામારીથી બચવા માટે અને વિશ્વશાંતિ અર્થે સમગ્ર દેશમાં જુદા જુદા ૧૨ સ્‍થળે ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞ કરવાનો સંકલ્‍પ કરેલો હતો જે પૈકી હિન્‍દુસ્‍તાનના જુદા જુદા સ્‍થળોએ ગાયત્રી મહાયજ્ઞ પૂર્ણ થઈ ચૂકયા છે. જયારે અંતિમ ચરણનો ૧૨મો ગાયત્રી મહાયજ્ઞ જસદણ નજીકના દ્યેલા સોમનાથ મહાદેવની છત્રછાયામાં ગોડલાધાર ગામે સ્‍વ. મહાદેવભાઇ ગોપાલજીભાઈ ચાવ પરિવારના યજમાનપદે તારીખ ૨૯-૩ ને મંગળવાર થી તારીખ ૮-૪ શુક્રવાર સુધી યોજાશે. યજ્ઞવિધિ સવારે ૮-૩૦ થી ૧૨-૩૦ અને બપોરે ૩-૩૦ᅠ થી ૬-૩૦ દરમ્‍યાન સતત ૧૧ દિવસ સુધી યોજાશે. જેમાં ગાયત્રી મહામંત્રની મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે. આ પ્રસંગે તા. ૨૯-૩ ને મંગળવારે સવારે ૮-૩૦ કલાકે શણગારેલી જીપ,ᅠ શણગારેલા ટ્રેકટર, બુલેટ, રાસ મંડળી, ભજન મંડળી બેન્‍ડવાજા સાથેની ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા ગાયત્રી મંદિરથી નીકળી ડીએસવિકે હાઈસ્‍કુલ,ᅠ મોતી ચોક, મેઈન બજાર,ᅠ ટાવર ચોક, જુના બસ સ્‍ટેન્‍ડ થઈને શરમાળીયા દાદાના મંદિર પાસે પૂર્ણ થશે. શોભાયાત્રાનાં રૂટ ઉપર જલારામ મંદિર, વાજસુરેશ્વર મંદિર,ᅠ વૈષ્‍ણવ હવેલી દ્વારાᅠ પૂજય મુકતાનંદ બાપુનુંᅠ સ્‍વાગત કરવામાં આવશે.ᅠ શોભાયાત્રા શરમાલીયા દાદાનાં મંદિરે પૂર્ણ થઈને ત્‍યાંથી વાહન દ્વારા જનમેદની ગોડલાધાર ખાતે યજ્ઞ સ્‍થળે પહોંચે. આ વિરાટ મહાયજ્ઞ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક સંતો-મહંતો ગોડલાધારᅠ ખાતેના ગાયત્રી મહાયજ્ઞ ધામ ખાતે પધારશે.ᅠ દરરોજ બંને ટાઇમ જાહેર જનતા માટે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઉપસ્‍થિત રહેવા મહેદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ પરિવારના વિનુભાઈ, ઘનશ્‍યામભાઈ, અશોકભાઈ તથા પ્રદીપભાઈ સહિતના ચાવ પરિવારે અનુરોધ કર્યો છે.

(10:32 am IST)