Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ભુજ ભાડા દ્વારા શહેરના વાણીયાવાડ વિસ્તારમાં બિન-અધિકૃત શો-રૂમ સીલ કરાયો

ભાડા વિસ્તારમાં બાંધકામ પરવાનગીના નિયમો વિરૂધ્ધ કોઈપણ બાંધકામ સાંખી લેવામાં આવશે નહીં : બિનધિકૃત બાંધકામો વિરૂધ્ધ નિયમાનુસારની કડક કાર્યવાહી અવિરત ચાલુ રહેશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૨૬ :  ભુજ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં વાઈટ બીલ્ડીંગની સામે અપના બજારની બાજુમાં અંતિમ નગર રચના ભુજ-૪ ના અંતિમ ખંડ નંબર-૬૧૧ના અંદાજે ૬૫.૬૩ ચો. મી.ના પ્લોટમાં બે માળનું અંદાજીત ૨૪૨૧ ચો. ફૂટના અંદાજીત ૭ કરોડની બજાર કીંમતના બિન-અધિકૃત બાંધકામ તે ‘પ્રાણ મેટલ્સ’શો-રૂમને આજ રોજ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ તળે સીલ કરવામાં આવ્યું છે.

સરકારશ્રી દ્વારા અમલી બાંધકામના નિયમોને નેવે મુકી વિના કોઈ બાંધકામ પરવાનગીએ બાંધકામ થેયેલ અને તેનો બિન-અધિકૃતવપરાશ કરવામાં આવી રહેલ છે તેવું ફલિત થતાં ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અને કલેક્ટરશ્રી-કચ્છ પ્રવિણા ડી. કે.ના માર્ગદર્શન હેઠળ મુખ્ય કારોબારી અધિકારી અને મદદનીશ કલેક્ટરશ્રી-ભુજ અતિરાગ ચપલોત દ્વારા નિર્દેશ અપાતા ખાનગી વ્યકિતઓ દ્વારા બનાવેલ આ બિન-અધિકૃત બાંધકામ વાળી દુકાન નિયમાનુસાર સીલ કરવામાં આવેલ છે.
ભાડાના અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડી દ્વારા પોલીસના સહકાર સાથે સમગ્ર કાર્યવાહી કરવામાં આવેલ. આ સાથે મદદનીશ કલેક્ટર-ભુજ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી અતિરાગ ચપલોત દ્વારા જણાવાયું હતું કે, ભાડા વિસ્તારમાં બાંધકામ પરવાનગીના નિયમો વિરૂધ્ધ કોઈપણ બાંધકામ સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રકારના બિનધિકૃત બાંધકામો વિરૂધ્ધ નિયમાનુસારની કડક કાર્યવાહી અવિરત ચાલુ રહેશે. પરવાનગી મેળવ્યા બાદ જ મંજૂર થયેલ નક્શા અને ઉપયોગને સુસંગત બાંધકામ કરવા, ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ મુખ્ય કારોબારી અધિકારીશ્રી ચપલોત દ્વારા અપીલ કરાઇ છે.

(9:55 am IST)