Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબી પાલિકાની કચરા ગાડીએ પાણીમાં ડૂબકી મારી

પાલિકાના કોન્ટ્રાકટરે તમામ ગાડીઓ ધોઈને લાવવા સૂચના આપતા ડ્રાઇવરે ગાડી પાણીમાં ડુબાડી

મોરબીમાં ડોર – ટુ – ડોર કચરો એકત્રિત કરતા કોન્ટ્રાકટર ઉપર તવાઈ ઉતરી છે ત્યારે આજે એક વિચિત્ર કિસ્સામાં કોન્ટ્રાકટરના ડ્રાઇવરે મચ્છુ-2 ડેમના કોઝવેમાં પાલિકાની માલિકીની છોટાહાથી ગાડીને ડૂબકી મરાવી દેતા રમૂજ ભર્યા આ કિસ્સાએ ચકચાર જગાવી છે.

મોરબી પાલિકા વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચ કરી ડોર – ટુ – ડોર કચરો એકત્રિત કરવા કોન્ટ્રાકટ આપ્યો હોવા છતાં પણ મોરબીમાંથી ગંદકી હટવાનું નામ લેતી ન હોય નવા આવેલા ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટર રદ કરી નાખતા આજે ડોર – ટુ – ડોર કચરો એકત્રિત કરતા કોન્ટ્રાકટરે તમામ વાહનોના ડ્રાઇવરોને ગાડીઓ ધોઈ ચકચકાટ કરીને આવવા સૂચના આપી હતી.
જો કે, કોઈ સર્વિસ સ્ટેશનમાં ગાડી સાફ કરાવવાને બદલે ડોર – ટુ – ડોર કચરો એકત્રિત કરતા કોન્ટ્રાકટરના માણસો ગાડીને ચકચકાટ કરવા માટે મચ્છુ-2 ડેમના કોઝવેમાં પહોંચી ગયા હતા અને શુદ્ધ પાણીને અશુદ્ધ કરવા લગતા આ વાત કુદરતને પણ મંજુર ન હોય તેમ એક ગાડી આખેઆખી પાણીમાં ડૂબકી મારી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આમ પણ પાલિકાની કચરા ગાડીના ડ્રાઇવરો પોતાના મોતના કુવા જેવા ડ્રાઇવિંગ માટે જાણીતા છે ત્યારે કોન્ટ્રાકટરે જતા-જતા પણ પાલિકાની ગાડી પાણીમાં ડુબાડી નુકશાન પહોચાડ્યું છે ત્યારે આજની આ ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે.

(10:56 pm IST)