Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કચ્છ જિલ્લાના પશુપાલકો આનંદો :સરહદ ડેરીએ કર્યો દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટ રૂ. 20નો વધારો

પશુપાલકોને પહેલા કિલો ફેટે જે 760 રૂપિયા મળતા હતા હવે નવો ભાવ 780 રૂપિયા મળશે.

કચ્છ જિલ્લાના પશુપાલકો આનંદિત થઈ જાય તેવા અહેવાલ આવ્યા છે. જેમાં સરહદ ડેરીએ ફરી પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. સરહદ ડેરીએ દૂધના પ્રતિકિલો ફેટના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે.

આ નિર્ણયને પગલે  હવે પશુપાલકોને પહેલા કિલો ફેટે જે 760 રૂપિયા મળતા હતા તેની સામે નવો ભાવ 780 રૂપિયા મળશે. સરહદ ડેરીના ચેરમેને જાહેરાત કરતા કહ્યું  હતું  કે પશુપાલકોની માગણીને ધ્યાને રાખી ડેરીએ આ નિર્ણય લીધો છે. આગામી એક એપ્રિલથી આ નવો ભાવ વધારો લાગુ કરાશે.  સાથે કહ્યું કે ડેરીના આ નિર્ણયથી કચ્છના પશુપાલકોને માસિક 2.25 કરોડોનો ફાયદો થશે.

પશુપાલકોને કુલ 20 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે આ નિર્ણયને પશુપાલકોને આવકાર્યો હતો.

આ ભાવ આગામી ૧ એપ્રિલથી લાગુ કરવામા આવશે આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે ગત તારીખ 21/03/2022 ના રોજ નવા પ્લાન્ટ ખાતે દૂધ સંઘના નિયામક મંડળની તેમજ મંડળીઓની સહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં સમિતિના સભ્યો દ્વારા દૂધના ભાવો વધારવા માટે રજૂઆત કરી હતી અને જે પશુપાલકોની માંગણી ધ્યાને લઈ અને સરહદ ડેરી 20 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી અને પશુપાલકોના હિતનો નિર્ણય કરવામાં આવેલ છે આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી ૧ તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવાયુ છે ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણાં વિસ્તારમાં પડતી હોય છે જે ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ વ્યાજબી ભાવો વાળું દાણ પશુને ખવડાવાનો આગ્રહ રાખવા જણાવ્યુ છે. કચ્છની અનેક મંડળી અને દુધ પશુપાકોને આ ભાવવધારાનો લાભ મળશે

 

   
(9:52 pm IST)