Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરમાં ઘરે ઘરે તાવના ખાટલા : H3N2ની તપાસ કરવા કોંગ્રેસ દ્વારા આરોગ્‍યમંત્રીને રજુઆત

પોરબંદર,તા. ૨૨ : શહેરમાં ઘરે ઘરે તાવના ખાટલા મંડાણા હોય આ પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા આરોગ્‍ય મંત્રીને રજુઆત કરીને H3N2ની તપાસ કરવા માંગણી કરી છે.

કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ આરોગ્‍ય મંત્રીને રજુઆતમાં જણાવ્‍યું છે કે પોરબંદર શહેર અને જીલ્લામાં ઘરે ઘરે તાવના ખાટલા છે તેથી H3N2 સહિતની તપાસ તાત્‍કાલીક કરવી જરૂરી બની છે. આવા ફલૂ વારંવાર સ્‍વરૂપ કે વેરિઅન્‍ટ બદલે છે. જેનો સામનો કરવાની શરીરમાં ઇમ્‍યુનિટિ હોતી નથી એટલે કયારેક વાયરસ ઘાતક નિવડે છે. તેને અટકાવવા આગોતરા પગલા લેવા જરૂરી છે. લોકો સામેથી સિવિલ હોસ્‍પિટલ ખાતે આવતા નથી. એટલે સરકાર ટેસ્‍ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્‍ટ ઉપર ધ્‍યાન આપે, વાયરસ વારંવાર વેરિએન્‍ટ બદલે છે. તેથી તેની ઓળખ માટે જિનોમ સિકવન્‍સીંગ થવું જરૂરી છે. જેથી આપણે વધુમાં વધુ જીનોમ સિકવન્‍સીંગ લેબોરેટરીઓ ઉભી કરવી જોઇએ. H3N2 શંકાસ્‍પદ વ્‍યકિત ઓનલાઇન પોતાનું નામ નોંધાવી શકે તે માટે એપ બનાવી જોઇએ. તે એપ ઉપર નામ નોંધાવનાર વ્‍યકિતના ઘરે જઇને ટેસ્‍ટ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવો તેવી માંગ કરી છે.

પોરબંદર શહેર અને જીલ્લામાં H3N2 ફલુના કારણે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટી તેમજ ખાસીનો કેસોમાં ખૂબ વધારો થયો છે. આ વાયરસ અબાલ વૃધ્‍ધ સહિત તમામ ફેલાઇ રહ્યો છે. જેના કારણે કોરોના બાદ લોકોમાં H3N2 ફલુનો ભય ફેલાયો છે. આ ફલુના દર્દીઓ ખૂબ વ્‍યાપક પ્રમાણમાં છે. પરંતુ હોસ્‍પિટલમાં આવી રિપોર્ટ કરાવતા નથી. એટલે ધ્‍યાન ઉપર આવતુ નથી. આવા ફલૂ વારંવાર પોતાનું સ્‍વરૂપ કે વેરિઅન્‍ટ બદલે છે. જેનો સામનો કરવાની શરીરમાં ઇમ્‍યુનિટી હોતી નથી એટલે કયારેક વાયરસ ઘાતક નિવડે છે. તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ રજુઆતમાં જણાવેલ છે.

(1:09 pm IST)