Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વિસાવદર તાલુકાનાં ૨૭૫ ખેડૂતોની ૨૨૫ હેક્‍ટર જમીનમાં માવઠાએ તારાજી સર્જી

રાજપરા, માણંદિયા અને દુધાળા સહિતના ગામોમાં નુકસાની : જૂનાગઢ ખેતીવાડી વિભાગ દ્વારા રિપોર્ટ સબમીટ કરાયો : વળતરની જાહેરાત તરફ મીટ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૨: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા સહિત અમરેલી જિલ્લામા થોડા દિવસો પહેલા જ કરા સાથે કમોસમી વરસાદ પડ્‍યો હતો. જેનાં કારણે ખેતી-બાગાયતી સહિતના પાકોને નૂકસાન પહોંચ્‍યું હતું. જેમાં ૨૭૫ જેટલા ખેડૂતોની ૨૨૫ હેક્‍ટર જમીનમાં થયેલ નુકસાન અંગેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોપવામાં આવ્‍યો હોવાનુ જાણવા મળે છે.

બહાર આવેલી વિગતો મૂજબ હાલનાં સમયમાં મોટા ભાગનાં એટલે કે ૮૦ ટકા જેટલાં વાવેતરમાં હારવેસ્‍ટીંગની પ્રક્રિયા શરૂ હોય.જેનાં કારણે માવઠાથી ઓછા પ્રામાણમાં નુકસાની થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્‍યું હતું. પરંતુ બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં થયું હોવાનું રિપોર્ટમાં જાણવાં મળ્‍યું છે. જેમાં થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદથી વિસાવદર તાલુકાનાં રાજપરા, માણંદીયા અને દુધાળા સહિતનાં ગામોમાં ખેતીનાં પાકો તેમજ બાગાયતી પાકોમાં નૂકસાન થવા પામ્‍યું હતું.

આ આકસ્‍મિક રીતે આવેલા માવઠાને લીધે એસડીઆરએફનાં નિયમ હેઠળ આ તમામ વિસ્‍તારનાં ખેડૂતોનો નૂકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો. જેમાં તાલુકાનાં ૨૭૫ જેટલા ખેડૂતોની ૨૨૫ હેક્‍ટર જેટલી જમીનમાં બાગાયતી પાકોમાં નુકસાન થયું હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્‍યું છે. ત્‍યારે આ તૈયાર કરેલ રિપોર્ટ હાલ સરકારને તંત્ર દ્વારા સુપ્રત કરવામાં આવ્‍યો છે. આગામી ટુંક સમયમાં સરકાર દ્વારા નૂકસાની પામેલા ખેડૂતોને વળતર ચૂકવાય તેવી સંભાવના વ્‍યક્‍ત કરાઈ રહી છે.

(1:42 pm IST)