Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જુનાગઢ પોલીસ તાલીમ કેન્‍દ્રનાં ડ્રાઇવરનાં આપઘાત પાછળનું કારણ અકબંધ

મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે જામનગર મોકલાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર :..  જુનાગઢ પોલીસ તાલીમ કેન્‍દ્રનાં ડ્રાઇવર બ્રિજેશભાઇ ગોવિંદભાઇ લાવડીયાનાં આપઘાત પાછળનું કારણ આજે પણ અકબંધ રહ્યુ છે પોલીસે મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

૪૮ વર્ષીય બ્રિજેશભાઇ લાવડીયા સોમવારે પોલીસ તાલીમ કેન્‍દ્ર ખાતેથી કોઇને કહયા વગર નીકળી ગયા હતાં. ત્‍યારબાદ ગુમ હતાં. આથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ દરમ્‍યાન બ્રિજેશભાઇ શાપુરનાં સીસીટીવી કેમેરામાં શાપુર બહારનાં રસ્‍તા પરથી જતા જોવા મળેલ. આથી સીમ વિસ્‍તારમાં શોધખોળ કરતાં દેવળીયાની ગારીખારામાં આવેલ કરશનભાઇ ભેડાની વાડીમાં ચીકુનાં ઝાડ સાથે દોરી બાંધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્‍યો હતો.

આ અંગેની જાણ થતાં વંથલીનાં મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો અને કાર્યવાહી કરી હતી.

મૃતક મોરબી જિલ્લાનાં માળીયા મિંયાણા તાલુકાનાં મેઘપર ગામના વતની હતાં. પરિવારમાં પત્‍ની તેમજ પુત્ર હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ ડ્રાઇવર બ્રિજેશભાઇ લાવડીયાનાં આપઘાતથી પોલીસ બેડામાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

આત્‍મહત્‍યાનું કારણ અકબંધ રહેલ છે. મૃતદેહને ફોરેન્‍સીક પોસ્‍ટ મોર્ટમ માટે જામનગર ખાતે મોકલવામાં આવેલ છે. વિશેષ તપાસ વંથલીનાં પીએસઆઇ એમ. કે. મકવાણા ચલાવી રહ્યા છે.

(12:50 pm IST)