Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આમરણની ગૌશાળામાં લમ્‍પી વાયરસથી નંદી અને ગૌમાતાના મોત થતા શ્રધ્‍ધાંજલી અર્પણ

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા., ૨૨: આમરણના ડાયમંડ નગર ખાતે આવેલ ગૌશાળામાં ગત વર્ષે લમ્‍પી વાઇરસનો કારણે માત્ર વીસ દિવસના ટુંકા ગાળામાં દેવલોક પામેલ ર૯ ગાયો અને એક મુખ્‍ય નંદી (જશમત મહારાજ)ના આત્‍માની શાંતિ અર્થે આજે ગૌશાળા ખાતે નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. શાષાોકત વિધિ દ્વારા ગૌમાતા અને નંદી મહારાજના મોક્ષાર્થે તર્પણ કરી આસ્‍થાભેર શ્રધ્‍ધાંજલી અર્પીત કરવામાં આવી હતી.

ગૌશાળા સંચાલક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા યોજવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડા, ભાજપ અગ્રણી રાઘવજીભાઇ ગડારા, પાટીદાર અગ્રણી હસમુખભાઇ ગાંભવા, મોરબી ખાતેના સિરામીક ઉદ્યોગકારો, સામાજીક આગેવાનો તથા ગ્રામજનોએ મોટી સંખ્‍યામાં હાજર રહી પુષ્‍પાંજલી અર્પી હતી.

અત્રે યાદ આપવુ ઘટે કે ગત વર્ષ જુન માસમાં લમ્‍પી રોગે પશુઓને ભરડામાં લીધા હતા ત્‍યારે ગૌશાળાની ૧પ૦ જેટલી ગાયો લમ્‍પી રોગગ્રસ્‍ત બની હતી. જે પૈકી ર૯ ગૌમાતા અને એક મુખ્‍ય નંદી મહારાજ માત્ર વીસ દિવસમાં જ રોગનો ભોગ બની દેવલોક પામતા ગૌભકતોમાં અરેરાટી સાથે બાકીની ૧ર૦ રોગગ્રસ્‍ત ગાયોના જીવ બચાવી લેવાની ચિંતા જન્‍મી હતી. ગૌભકતો મહેશભાઇ કાસુન્‍દ્રા, કાંતીલાલ કાસુન્‍દ્રા, અરવિંદભાઇ તથા વિપુલભાઇ સહીતના સેવાભાવી યુવાનોએ લગાતાર ત્રણ માસ સુધી દરરોજ સાંજે ધંધા રોજગારમાંથી નવરા પડતાની સાથે જ ગૌશાળાએ પહોંચી જઇ મોડી રાત્રી સુધી તબીબી અને દેશી ઉપચાર વડે આસ્‍થાભેર ગૌમાતાની સેવા સુશ્રુષા કરી ૧ર૦ જેટલી ગાયોને રોગના ભરડામાંથી મુકત કરાવી જીવ બચાવી લેવામાં સફળતા મેળવી હતી.

(12:42 pm IST)