Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીમાં મકાનનો એક હપ્તો ન ભરનાર આધેડનું અપહરણ કરી બેફામ માર માર્યો

રીકવરી એજન્‍ટ ઋતુરાજસિંહ તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૨ :  મોરબીમાં મકાનની લોનનો હપતો ચાલુ હોય તેમાં એક હપ્તાની સગવડ ન થતા  રીકવરી કરવા આવેલ શખ્‍સોએ આધેડને રોડ વચ્‍ચે ઉભા રાખી ગાડીમાં અપહરણ કરી અન્‍ય સ્‍થળે લઇ જઈ માર મારી મકાનનો હપ્તો ના ભરે તો ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ સ્‍કાય મોલ સામે રહેતા સંજયભાઈ ઘનજીભાઈ વિડજા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની માલિકીની મહિન્‍દ્રા કેયુવી જીજે ૦૩ કેપી ૬૩૬૫ લઈને મોરબીના રવાપર રોડ પરથી પોતાના ઘરે જતા હોય દરમિયાન આનંદ સ્‍ટેશનરી પાસે પહોચતા આરોપી ઋતુરાજસિંહ રહે-ધૂળકોટ તા.હળવદ જે ફાયનાન્‍સ કંપનીના રીકવરી એજન્‍ટ હોય અને ફરિયાદી સંજયભાઈ એ પોતાની માલિકીના મકાનની લોનનો ચાલુ માસનો હપ્તો નાણાકીય સગવડ ના થતા ભરવાનો બાકી રહી ગયેલ હોય જે બાબતે ઋતુરાજસિહ તથા તેની સાથે આવેલ તેના ત્રણ અજાણ્‍યા માણસો સફેદ કલરની ગાડીમાં આવીને ફરિયાદી સંજયભાઈની ગાડી આગળ પોતાની ગાડી અવરોઘ રૂપ ઉભી રાખી ગાડીમાંથી ઉતરી સંજયભાઈને ગાળો આપી મુંઢ માર મારી બળજબરી પૂર્વક ગાડીમાંથી ઉતાર્રી પોતાની ગાડીમાં બેસાડી લઇ જઈ બધા માણસો ગાળો આપી પ્‍લાસ્‍ટિકના પાઈપ વડે માર મારી મારી મકાનની લોનનો હપ્તો ના ભેર તો ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપીને સંજયભાઈની ગાડીની ચાવીનો ઘા કરી પોતાની ગાડીમાં બેસી નાશી ગયા હતા.

મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)