Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઘેલા સોમનાથના પીપળીયાના જવાન આર્મીમાંથી નિવૃત થતા અભિવાદન સમારોહ યોજાયો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૨: પાંચાળ પ્રદેશનું અણમોલ રતન ઘેલા સોમનાથ (સોમ પીપળીયા) ગામનું ગૌરવ મુનાભાઈ મેરાભાઇ સોલંકી (કોળી)એ મા ભોમની રક્ષા કાજે ૧૮ વર્ષ આર્મી સેવામા ફરજ બજાવી નિવૃત્ત થઈ માદરે વતન પાંચાળની પાવન ધરામાં પધારતા મુનાભાઈને ફૂલડે વધાવવા અને સન્‍માન સમારોહમાં મોટી સંખ્‍યામાં અભુતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્‍યો હતો.

મુનાભાઈએ ઘેલા સોમનાથ મહાદેવને શીશ નમાવી મહાદેવના આશીર્વાદ મેળવ્‍યા હતા ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં મંદિરના વહીવટદાર પૂજારીએ શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતુ અને હાજર પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ જવાનને શાલ ઓઢાડી મોમેન્‍ટો અને શહીદ ભગતસિંહનીએ છબી આપી સન્‍માનીત કર્યા હતા બાદ ઘેલાં સોમનાથથી પીપળીયા ગામ સુઘી લાંબી રેલીમાં ડીજે અને ઢોલ નગારાના તાલે લોકો ઝુમી ઉઠ્‍યા હતા ગામ લોકોએ ભવ્‍ય સ્‍વાગત અને દિકરીઓએ સામૈયા કરી મુનાભાઇને વધાવ્‍યા હતા ગામની શાળાનાં વિદ્યાર્થીઓએ તિરંગા ઝંડા લહેરાવી ભારત માતાકી જય - વંદે માતરમ્‌ જેવાં દેશભક્‍તિઓના નારા લગાડયા હતાં અને વાતાવરણ દેશભક્‍તિમય બની ગયું હતું અને સામાજિક સમરસતા અને સર્વે સમાજ એકતા ના દર્શન થયા હતા કાર્યક્રમમાં ગામના સરપંચ,- શાળાના શિક્ષકશ્રીઓ, તાલુકા સંઘના પ્રમુખ કાળુભાઈ તલાવડીયા વગેરે હાજર રહ્યાં હતા. સ્‍વાગત સન્‍માન સમારોહ અને રેલીમાં પાંચાળ પ્રદેશમાથી ઉમટી પડેલ માનવ મહેરામણ - પીપળીયા ગામ સમસ્‍ત તેમજ આજુબાજુના ગામડાઓમાંથી તમામ ભાઈઓ બહેનો બાળકો શાળાનાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમાજ શ્રેષ્ઠિઓનો સન્‍માન સમારોહના આયોજક વિનોદભાઈ વાલાણીએ આભાર માન્‍યો હતો.

(12:08 pm IST)