Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ધોરાજી અનુસૂચિત જાતિ દ્વારા ચાલી રહેલ પ્રતિક ઉપવાસના પારણા

ઘોઘાવદર દાસી જીવણ મંદિરના શામળદાસ બાપુ ની મધ્‍યસ્‍થમાં આંદોલન સમેટાય

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૩ : થોડા દિવસ પૂર્વે પટેલો અને અનુસૂચિત જાતિના યુવાનો વચ્‍ચે મારામારીની ઘટના બાદ અનુસૂચિત જાતિ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના ત્રણ યુવાનો સામે થયેલ ખોટી ફરિયાદ રદ કરવા અને પટેલ જ્ઞાતિના બાકી રહેતા આરોપીને તાત્‍કાલિક ઝડપી લેવાની માગણી સાથે ધોરાજી પ્રાંત કચેરી બહાર અનુસૂચિત જાતિના આગેવાનો અને યુવાનો દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે પ્રતિક ઉપવાસના બીજા દિવસે ગોંડલ તાલુકાના ઘોઘાવદર સ્‍થિત સંત શ્રી દાસી જીવણ મંદિરના મહંત શામળદાસ બાપુ એ આવી અનુસૂચિત જાતિના ઉપવાસી સાથે વાતચીત કર્યા બાદ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સાથે સમગ્ર મામલે ચર્ચા કરી અને  મામલતદાર જાડેજા સહિતના અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.

સમગ્ર ચર્ચાના અંતે ઉપવાસી છાવણીમાં મહંત શામળદાસ બાપુ એ જણાવેલ કે સરકારી તંત્રના અધિકારીઓ અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધ સિંહ ગોહિલ સાથે વાતચીત થયા મુજબ આગામી ૧૫ દિવસમાં ઉપવાસીઓની માગણી સંતોષાયએ પ્રકારની ખાત્રી આપવામાં આવી હોવાથી ઉપવાસી છાવણીમાં ઉપવાસીઓએ પારણા કર્યા હતા.

આ તકે સામાજિક અગ્રણી યોગેશ ભાષાએ જણાવ્‍યું હતું કે મહંત શામળદાસ બાપુ ની મધ્‍યસ્‍થી અને પોલીસ વિભાગ દ્વારા જે ખાતરી આપવામાં આવી છે જેને ધ્‍યાને લઈ ૧૫ દિવસ માટે પ્રતિક ઉપવાસ આંદોલન મોકૂફ રાખવામાં આવ્‍યા છે જો ૧૫ દિવસ બાદ બાકી રહેતા આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસ ને બદલે આમરણાંત ઉપવાસ શરૂ કરવા ફરજ પડશે તેમ જણાવ્‍યું હતું આ તકે ધોરાજી અનુસૂચિત જાતિના આગેવાનો યુવા કાર્યકર્તાઓ તેમજ ધોરાજી મામલતદાર જાડેજા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(11:42 am IST)