Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઉના-ગીરગઢડામાં માવઠાંથી પાકને નુકશાન અંગે મુખ્‍યમંત્રીને રજૂઆત બાદ સર્વે કામગીરી

ખેડૂતોએ બાગાયત અધિકારી તથા ધારાસભ્‍ય કાળુભાઇના કાર્યાલયનો સંપર્ક કરવો

(નવીન જોષી દ્વારા) ઉના તા. રર :.. ઉના-ગીરગઢડા પંથકમાં માવઠાથી પાકને નુકસાન અંગે વળતર ચુકવવા ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડની મુખ્‍યમંત્રીને રજૂઆત  બાદ પાકને નુકશાન અંગેની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઉના તથા ગીરગઢડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને નુકશાની પહોંચી છે. આ બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લઇને ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડે મુખ્‍યમંત્રીશ્રીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી ઉના-ગીરગઢડા તાલુકામાં ખેડૂતોને પાક નુકશાનીનું ઝડપથી સર્વે કરાવી વધુમાં વધુ વળતર આપવાની વિનંતી કરેલ હતી.

જેના ભાગરૂપે આપણા સંવેદનશીલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલેએ પણ તાત્‍કાલીક આદેશ કરી સર્વેની કામગીરી શરૂ કરવા કલેકટરશ્રીને જણાવેલ હતું.

હાલ બાગાયત અધિકારી બરખાબેન બારડા (મો. ૭૩૯૬પ ૩૦૭૪પ) તથા તેના કર્મચારીઓની એક ટીમ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રાથમિક સર્વે માટે નીકળેલ છે. તમામ ખેડૂતો તથા સરપંચ શ્રીએ બાગાયત અધિકારીશ્રીનો સંપર્ક કરવા અને જરૂર જણાય તો ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડ અથવા તેઓના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.

(12:01 pm IST)