Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કચ્‍છમાં કોરોના દેખાયોઃ નવા બે કેસ : ખાવડા પંથકમાં ઓરીના કેસઃ બે શંકાસ્‍પદ મોતની ચર્ચા

કચ્‍છમાં અત્‍યાર સુધીમા મહામારીના કુલ ૬ કેસ : ઓરીના કેસની ચિંતા વચ્‍ચે આરોગ્‍ય તંત્ર દોડતું થયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨: કચ્‍છમાં કોરોના દેખાતા લોકોમાં ફરી ઉચાટ વધ્‍યો છે. ગાંધીધામમાં એક સપ્તાહમાં જ બીજો કેસ નોંધાયો છે. અગાઉ એક મહિલા પછી હવે ટ્રાન્‍સપોર્ટના એક ધંધાર્થીને કોરોના પોઝિટિવ આવ્‍યો છે. જોકે, આ બન્ને કેસમાં કોઈ પણ ટ્રાવેલ હિસ્‍ટ્રી નથી. શરદી, તાવ અને ઉધરસ ના લક્ષણો દેખાતા લેબ તપાસ કરાયા બાદ કોરોના પોઝિટિવ આવ્‍યો છે. કચ્‍છમાં અત્‍યાર સુધી કુલ ૬ કેસ નોધાઇ ચૂક્‍યા છે.

કચ્‍છના ખાવડા પંથકમાં ઓરીના કેસ દેખાતાં લોકોમાં ચિંતા છે, તે વચ્‍ચે બે શંકાસ્‍પદ મોતના બનાવે વધુ ભય સજર્યો છે. એક બાળકી અને એક પ્રસૂતા માતાનું મોત થયું છે. જોકે, આ બનાવને પગલે તંત્ર દોડતું થયું છે. બિન સત્તાવાર અહેવાલો અને ચર્ચા મુજબ ખાવડા આસપાસના મિસરિયાડો તેમ જ નાના દીનારા ગામે ઓરીના સંખ્‍યાબંધ શંકાસ્‍પદ કેસો છે. દરમ્‍યાન કચ્‍છ જિલ્લા આરોગ્‍ય વિભાગે છેલ્લા બે મહિનામાં ૨૬ કેસો આવ્‍યા હોવાનું સ્‍વીકાર્યું છે. જોકે, બિન સત્તાવાર ઓરીના કેસ નો આંક મોટો હોવાનું ચર્ચાય છે. દરમ્‍યાન આરોગ્‍ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ઓરી અટકાવવા રસીકરણ જરૂરી છે તો રસીકરણ માટે સ્‍થાનિક ગામ લોકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે.

(10:24 am IST)