Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીની સગીરાના અપહરણ-દુષ્‍કર્મ કેસમાં અમદાવાદના શખ્‍સને ૧૦ વર્ષની કેદ

નામદાર સ્‍પેશ્‍યિલ પોક્‍સો અદાલતે ભોગ બનનારને રૂપિયા ૪ લાખ કંપેન્‍સેશન ચુકવવા કર્યો આદેશ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૨: મોરબી શહેરમાં રહેતી સગીરાનું વર્ષ ૨૦૧૯માં અપહરણ કરી દુષ્‍કર્મ ગુજારવાના કેસમાં મોરબીની નામદાર સ્‍પેશિયલ પોક્‍સો અદાલતે નરાધમ આરોપીને કાસુરવાન ઠેરવી ૧૦ વર્ષની કેદની સજા સંભળાવી રૂપિયા ૧૮ હજારનો દંડ ફટકારી ભોગ બનનારને રૂપિયા ૪ લાખ કંપેન્‍સેશન ચૂકવવા આદેશ કર્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીના ભદ્ર પરિવારની સગીરાના માતા તેણીને ટ્‍યુશનમાં મૂકી આવ્‍યા બાદ સગીરા લાપતા બનતા પરિવારજનો ચિંતિત બન્‍યા હતા. જો કે અમદાવાદ સગીરાના મામાના ઘર પાસે રહેતા સચિન દિપક ચુનારા નામના શખ્‍સે લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી વારંવાર દુષ્‍કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતા બનાવ અંગે સગીરાના માતાએ અમદાવાદના નરાધમ સચિન દિપક ચુનારા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન આ ગંભીર બનાવ અંગેનો કેસ મોરબીની નામદાર સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટ સમક્ષ ચાલી જતા ૯ મૌખિક પુરાવા અને ૨૫ દસ્‍તાવેજી પુરાવાઓની સાથે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો ધ્‍યાને લઈ જજ ડી.પી.મહિડા સાહેબે આરોપી સચિન દિપક ચુનારાને આઇપીસી કલમ ૩૬૩ અન્‍વયે ૩ વર્ષની કેદ અને ૩૦૦૦નો દંડ, આઇપીસી કલમ ૩૬૬ અન્‍વયે ૫ વર્ષની કેદ અને ૫૦૦૦ રૂપિયા દંડ તેમજ આઇપીસી કલમ ૩૭૬ (૨) એન હેઠળ ૧૦ વર્ષની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકારી અને દંડ ન ભરે તો વધુ નવ માસની કેદની સજા ફટકારતો હુકમ કરી ભોગ બનનાર સગીરાને રૂપિયા ૪ લાખ કંપેન્‍સેશન ચૂકવવા આદેશ કર્યો છે.

(1:48 pm IST)