Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ભૂપેન્‍દ્રભાઇએ મૃતકોના પરિવારજનોને સાંત્‍વના પાઠવી : ૩ દિવસમાં તપાસનો અહેવાલ આપવા આદેશ

મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો રદ કરીને હળવદ દોડી આવ્યા: બ્રિજેશભાઇ મેરજા, જયંતિભાઇ કવાડિયા, પરષોતમભાઇ સાબરીયાની ઉપસ્થિતી

 (દીપક જાની દ્વારા)હળવદ,તા. ૧૯: અહી ની જીઆઇડીસી વિસ્‍તારમાં આવેલા મીઠાના કારખાનામાં ૩૦ ફૂટ ઊંચી દીવાલ ધારાશયો થવાની દુર્ઘટનાએ ૧૨ વ્‍યક્‍તિઓનો ભોગ લીધો હતો. આ આકસ્‍મિક દુર્ઘટનાને પગલે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને ગઈકાલે બપોર બાદ હળવદ આવી પહોંચ્‍યા હતા. તેઓએ હળવદ ના સરકારી દવાખાને ઇજાગ્રસ્‍તો તેમજ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈને તેમને સાંત્‍વના આપી હતી. તેમજ આ દુર્ઘટનાનો સમગ્ર અહેવાલ ત્રણ દિવસમાં આપી દેવાનો આદેશ આપ્‍યો છે.
હળવદની ગોઝારી દુર્ઘટનાને પગલે અધિકારીઓ તેંમજ રાજયમંત્રી તથા પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ જયંતિભાઈ કવાડિયા , ધારાસભ્‍ય પરષોત્તમ ભાઈ સાબરિયા સહિતના પદાધિકારીઓ દોડી જઈને મૃતકના પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી. જયારે વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્‍યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા પ્રત્‍યેક શ્રમિકના પરિવારજનો પ્રત્‍યે સંવેદનાની લાગણી વ્‍યક્‍ત કરી હતી અને મુખ્‍યમંત્રીએ મૃતકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્‍યમંત્રી રાહત નિધિ માં થી આપવાની જાહેરાત પણ કરી મૃતક શ્રમિકોના આત્‍માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે. જયારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ મૃતકોના પરિવારજનોને ૨ લાખની અને ઇજાગ્રસ્‍તોને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી હતી. આ ઘટનાને પગલે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તમામ કાર્યક્રમો રદ કરી હળવદ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા.
મુખ્‍યમંત્રીએ હળવદ ના સરકારી દવાખાને દોડી જઈને મૃતકોના પરિવારોને સાંત્‍વના પાઠવી હતી અને આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેમજ ઘટનામાં કોણ કોણ જવાબદાર છે તે સહિતની રજેરજની વિગતોનો સંપૂર્ણ અહેવાલ ત્રણ દિવસમાં મોકલાવી દેવાનો આદેશ આપ્‍યો છે. જયારે મુખ્‍યમંત્રી સાથે હાજર રહેલા રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ મીડિયા સમક્ષ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર આ ઘટનામાં જવાબદાર તમામ સામે કડક કાર્યવાહી કરશે અને ગંભીર ઘટનાને લઈને મુખ્‍યમંત્રીએ પણ તાત્‍કાલિક મુલાકાત લઈને ત્‍વરિત કાર્યવાહીના આદેશો કરવામાં આવ્‍યા છે. આ ઘટના કેવી રીતે બની તેની તલસ્‍પર્શી તપાસ કરવામાં આવશે કોઈને પણ છોડવામાં નહિ આવે. મૃતકોના પરિવારને ન્‍યાય આપવા રાજય સરકાર કટીબદ્ધ છે. તેમજ મૃતકોના પરિવારની પડખે સરકાર ઉભી છે. એટલે આ ઘટનાની ન્‍યાયિક તપાસ થશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, કારખાનેદાર દ્વારા પણ મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્‍તોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ઘટનામાં હવે પોલીસ કોની સામે ક્‍યાં પ્રકારનો ગુન્‍હો નોંધી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

(11:49 am IST)