Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કચ્છ જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવા બે કેનાલનું આયોજન કરાયું છે: તેમાં એક ટપ્પરથી મોડકૂબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો હતો

ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં

કચ્છ: જિલ્લામાં બે દાયકા કરતા વધુ સમયથી નર્મદાના પાણી મુદ્દે લડત કરી રહેલા ખેડુતો પાછલા પાંચ વર્ષોથી વધુ આક્રમક રીતે નર્મદાના પાણી મુદ્દે લડી રહ્યા છે. તેમાય વધારાના પાણી મુદ્દે સરકારે કરેલી જાહેરાત અને ત્યાર બાદ બજેટમાં પુરતી રકમની જોગવાઇ ન કરાતા ખેડુતો સરકાર સામે આક્રમક છે તે વચ્ચે ઉનાળામા પાણીની વિકટ સમસ્યા જોઇ ખેડુતોએ ફરી એકવાર સરકારને 26 તારીખ સુધી દુધઇ સબબ્રન્ચ કેનાલની અધૂરી કામગીરી પુર્ણ કરવા માટે અલ્ટીમેટમ આપ્યુ છે આજે કચ્છ ભારતીય કિસાનસંધની આગેવાનીમાં ખેડુતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે અને ચીમકી ઉચ્ચારી છે કે 27 સુધી સરકાર કોઇ યોગ્ય જાહેરાત નહી કરે તો 27 એપ્રીલ બાદ ખેડુતો આંદોલનના માર્ગે જશે

કચ્છ જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવા બે કેનાલનું આયોજન કરાયું છે.

તેમાં એક ટપ્પરથી મોડકૂબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ ૬૮ કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના ૨૩ કિલો મીટરના કામો થઇ ગયા છે જ્યારે બાકીના ૪૫ કિલો મીટરના કામ બાકી છે. નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે.

ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પૂરા કરવા ખેડુતોની માગ છે. કારણ કે, 45 કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઇ વ્યવસ્થા નથી અને સરહદ પરના ગામો છે તેમાં પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું હોતાં બાકી રહેતા કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા ભરવા વિનંતી છે.

કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે તાજેતરમાંજ આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે પીવાના પાણીની ભારે તંગી જોવા મળી હતી. પશુઓ માટે ટેન્કર મારફતે પાણી પહોંચતું હોવાનું પણ ધ્યાને આવ્યુ હતુ. ત્યાર બાદ ખેડુતોએ બેઠક યોજી કેનાલ મારફેત પાણી આ વિસ્તારમાં પહોચે તેવી માગ કરી તાત્કાલીક પશુઓ અને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થાની રજુઆત કરાઇ છે સાથે 26 તારીખ સુધી સરકાર નિર્ણય નહી કરે તો 27 થી ખેડુતો આંદોલનના માર્ગે જશે આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત વિસ્તારના ખેડુતો રજુઆતમાં જોડાયા હતા.

(10:14 pm IST)