Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડાપ્રધાનના જામનગરની કાર્યક્રમમાં ST બસો ફાળવવામાં આવતા મુસાફરોને બસ ન મળતા હેરાન થયા : ST વિભાગ જનતાને જાણ કરવામાં ઉણુ ઉતર્યુ

મોરબી જનારા વૃદ્ધા ૪ કલાક બસની રાહ જોઇને બસી રહ્યા

સુરેન્‍દ્રનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે જામનગરમાં તેમના કાર્યક્રમ માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 25 એસ.ટી.બસો ફાળવવામાં આવી છે.

આથી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં જતાં મુસાફરોને થતી પરેશાની માટે સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા. જેમની પોલીસે ટીંગાટોળી કરી 5થી વધુ આપના કાર્યકરોની અટકાયત કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં ગાંધીનગર બાદ જામનગરમાં પણ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમો માટે સમગ્ર રાજયમાંથી એસ.ટી.બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ 25 એસ.ટી. બસો ફાળવાઈ છે.

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોના 20 રૂટો બંધ કરી 25 એસ.ટી. બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા મંગળવારે સવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરેન્દ્રનગર બસ સ્ટેશન પહોંચી ગયા હતા. જેમાં વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, સતીશ ગમારા સહિતનાઓએ મુસાફરોની વચ્ચે જઈ નારા લગાવ્યા હતા. અને મુસાફરો સાથે એસ.ટી. બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવાતા તેમને પડતી મુશ્કેલી માટેની ચર્ચા કરી હતી.

આ સમયે પોલીસ પણ ઉપસ્થિત હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને આપના કાર્યકરોને અટકાયત કરી લેવામાં આવી હતી. આપના કાર્યકરોને વાનમાં બેસાડી બી ડીવીઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. બીજી તરફ એસ.ટી.બસો ફાળવવામાં આવતા મુસાફરોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.

ખાસ કરીને સુરેન્દ્રનગરના આસપાસના ગામડાઓમાંથી સુરેન્દ્રનગર અભ્યાસ માટે આવતા કોલેજીયન વિદ્યાર્થીઓને કલાકો સુધી બસની રાહ જોઈને બેસી રહેવુ પડયુ હતુ. તેમાં પણ બસ આવતા મુસાફરોને તેમાં ચડવા ભારે ધસારો રહેતો હતો. બસની ક્ષમતા કરતા વધુ મુસાફરો બસ સ્ટેશનમાં બેસીને બસની રાહ જોતા હતા અને તડકામાં શેકાતા હતા.

મોરબી જનારા વૃદ્ધા 4 કલાક બસની રાહ જોઈને બેસી રહ્યા
સુરેન્દ્રનગરમાં રહેતા એક વૃદ્ધાને મોરબી જવાનું હતુ. સવારે 8 કલાકે તેઓ બસ સ્ટેશન પહોંચી ગયા હતા, પરંતુ બસો પીએમના કાર્યક્રમ માટે ફાળવાઈ હોવાની તેમને જાણ ન હોવાથી બસ ન આવતા તેઓ ઈન્કવાયરી કાઉન્ટરે તપાસ કરવા ગયા હતા. જયાં બસ આવશે તો જશે તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. સવારના 8 થી બપોરના 12 કલાક સુધી તેઓને બસ સ્ટેશન તડકામાં શેકાવુ પડયુ હતુ.

પાસ હોવાથી પૈસા લઈને ન આવેલા કોલેજના વિદ્યાર્થીઓ થયા પરેશાન
એસ.ટી.બસો પીએમના કાર્યક્રમમાં ફાળવાતા સૌથી વધુ પરેશાન કોલેજના વિદ્યાર્થીઓ થયા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ માસિક પાસ કઢાવેલો હોવાથી તેઓ સાથે જરૂરી પૈસા લીધા વગર અભ્યાસ કરવા આવતા હોય છે, ત્યારે બસો પીએમના કાર્યક્રમમાં મુકાતા કોલેજના વિદ્યાર્થીઓ પાસે જરૂરી પૈસા ન હોવાથી તેઓ ખાનગી વાહનોમાં પણ મુસાફરી કરી શકે તેવી સ્થિતિ ન હોવાથી સૌથી વધુ હેરાનગતિ કોલેજના વિદ્યાર્થીઓને ભોગવવી પડી હતી.

LRDની પરીક્ષામાં બસ ફાળવણીની જાહેરાત, પીએમના કાર્યક્રમમાં નહી
થોડા સમય પહેલા યોજાયેલી એલઆરડીની પરીક્ષા માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ એસ.ટી.બસો દોડાવાઈ હતી, ત્યારે તે સમયે એસ.ટી.બસો એલઆરડીના પરીક્ષકો માટે દોડાવાની એસ.ટી. વિભાગે મસમોટી જાહેરાતો કરી હતી. જ્યારે પીએમના કાર્યક્રમમાં જનાર એસ.ટી.બસોની સંખ્યા અને રૂટ જે બંધ થયા તેની પણ જાહેરાતો જો કરી હોત તો મુસાફરો હેરાન ન થયા હોત.

વિરોધપક્ષ 2 દિવસ અગાઉ જાગ્યો હોત તો બસોની ફાળવણી રોકાઈ શકત: વિદ્યાર્થી
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેશનમાં સરકારનો વીરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો સુત્રોચ્ચાર કરતા હતા, ત્યારે એક વિદ્યાર્થી તેમની સાથે ચર્ચામાં ઉતર્યો હતો. અને આજે જયારે બસો ફાળવી દેવાઈ છે ત્યારબાદ વીરોધ કરનાર પાર્ટીના કાર્યકરોને જો બે દિવસ પહેલા વીરોધ કર્યો હોત તો કદાચ બસોની ફાળવણી રોકાઈ શકાઈ હોત અથવા તેની યોગ્ય જાહેરાત પણ થઈ શકી હોત. તો મુસાફરો અને વિદ્યાર્થીઓને આટલી હેરાનગતી ભોગવવી પડી ન હોત.

(9:58 pm IST)