Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું જામનગર એરફોર્સ સ્‍ટેશન ખાતે આગમન : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ આવકાર્યાઃ શહેરીજનોનું અભિવાદન ઝીલ્‍યું

જામનગર :  WHO ના ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્‍દ્રના શિલાન્‍યાસ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી જામનગર એરપોર્ટ સ્‍ટેશન ખાતે આવી પહોંચતા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્‍માસભર સ્‍વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદી તેમજ અન્‍ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્‍યા હતા ત્‍યારે એરફોર્સ સ્‍ટેશન બહાર મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોએ પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્‍સાના મેડિસિન સેન્‍ટરનો શિલાન્‍યાસ થવા જઈ રહ્યો છે ત્‍યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. એરફોર્સ સ્‍ટેશન ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના  સ્‍વાગતમાં મુખ્‍યમંત્રીશ્રી સાથે કેન્‍દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, મુખ્‍ય સચિવ શ્રી શ્રીપંકજ કુમાર, કોમોડોર શ્રી ગૌતમ મારવાહ, એર કોમોડર શ્રી આનંદ સોંઢી, બ્રિગેડિયર શ્રી સિદ્ધાર્થ ચંદ્ર, જિલ્લા કલેક્‍ટર શ્રી ડો.સૌરભ પારધી,પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ વગેરે સહભાગી બન્‍યા હતા. કાર્યક્રમ સ્‍થળે જતી વખતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું.  (અહેવાલ મુકુંદ બદીયાણી તસવીર કિંજલ કારસરીયા જામનગર).

(3:02 pm IST)