Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પોરબંદરઃ મોટાભાગના વિદ્યાર્થીઓ સ્‍વતંત્ર રીતે માતૃભાષાને સાચું લખી કે વાંચી શકતા નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. આજના મોટાભાગના વિદ્યાર્થીઓ સ્‍વતંત્ર રીતે પોતાની માતુભાષાને સાચું લખી કે વાંચી શકતા નથી. તે આજના સમયની કડવી વાસ્‍તવિકતા છે. વિદ્યાર્થીઓને માતુભાષાનું પાયાનું શિક્ષણ આપવાની જરૂર ઉભી થઇ છે.

રાજયના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં શિક્ષણ અંગે આપેલ નિવેદનથી હોબાળો મચી ગયો છે. તેવા સમયમાં શિક્ષણની ગુણવતા સુધારવાની સાથે વિદ્યાર્થીઓને માતુભાષાનું પાયાનું શિક્ષણ અપાય તે સમયની માંગ છે. અંગ્રેજી માધ્‍યમની ઘેલછાને લીધે માતુભાષાનું હનન થઇ રહ્યું છે નવી પેઢી માતુભાષાના શબ્‍દકોષથી વંચિત છે. મોટાભાગના વિદ્યાર્થીઓ માતૃભાષાના મુળાક્ષર પણ પુરતા ઓળખી શકતા નથી. આ સામે સાહિત્‍યકારો કેળવણીકારો સજાગ બનવુ જોઇએ તેવી માગણી ઉઠી છે.

સરકાર ભાર વિનાના ભણતર માટે મહેનત કરે છે. ત્‍યારે આપણી ગુજરાતી માતૃભાષામાં અંગ્રેજી સહિત અન્‍ય ભાષાનું મિશ્રણ જોવા મળે છે શુધ્‍ધ ગુજરાતી મોટાભાગના લોકો બોલી શકતા નથી.

ભાર વિનાનું ભણતર છતાં પ્રાથમિક શાળાના બાળકોને શાળાએ મુકવા જતા સમયે વધુ પડતા ચોપડા ઉપાડવા વાલીની મદદ લેવી પડે છે. રાજકીય નેતાઓએ લાજ શરમ એક બાજુ મુકીને માતુભાષાની સાચી હકિકત જાણીને માતૃભાષાનું સ્‍તર સુધારે તેવી લોકો ઇચ્‍છી રહેલ છે.

(1:36 pm IST)