Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલની વર્લ્‍ડ હેરિટેજદિવસે મુલાકાત લેતા અર્જુનભાઇ મોઢવાડિયા

પોરબંદર, તા. ૧૯ :  વર્લ્‍ડ હેરિટેજ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી અર્જૂનભાઈ મોઢવાડીયાએ ઐતિહાસિક  ધરોહર દરિયા મહેલની વિઝીટ કરી હતી.

પોરબંદરના મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા સાહેબ દ્વારા રાજ્‍યના યુવાન-યુવતીઓ ઉચ્‍ચ શિક્ષણ મેળવી શકે તે માટે આઝાદી બાદ ૧૯૫૫માં ડૉ પ્રભાશંકર ત્રિવેદીની ૨ ઓરડાની માંગણી પર પોતાનો ૬૩ એકર જમીનમાં ફેલાયેલો ભવ્‍ય દરિયા મહેલ ગુજરાત સરકારને વિનામુલ્‍યે શ્રી રામબા ગ્રેજ્‍યુએટ ટીચર્સ કોલેજ ચલાવવા આપી દીધો હતો.  આ ભવ્‍ય રાજમહેલ ૧૯૦૩માં સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયા પછી ૧૯૪૭ સુધી સમગ્ર પોરબંદર સંસ્‍થાનનો રાજ વહીવટ અહિયાંથી જ ચાલતો હતો.

આ રાજભવન ઇટાલિયન વીલા ટાઈપ પ્રથમ નજરે દેખાય છે. જે  જર્જરીત થઇ ગયો હતો. અર્જુનભાઈ મોઢવાડીયા ધારાસભ્‍ય હતા ત્‍યારે વર્ષ ૨૦૧૧માં આ સમગ્ર મહેલના હેરીટેઝ રીસ્‍ટોરેશન સર્વ શિક્ષા અભિયાનમાંથી રૂા.૭ કરોડની ગ્રાન્‍ટ મંજુર કરાવીને માર્ગ અને મકાન વિભાગને હવાલે મુકી હતી. માર્ગ અને મકાન વિભાગ પાસે આવા હેરીટેજ મકાનો રીસ્‍ટોર કરવાના નિષ્‍ણાંતોનો અભાવ હોવાથી કામ ૭ વર્ષ સુધી શરુ કરી શકાયું નહીં. ત્‍યારબાદ આખરે બહેનશ્રી હીરલબા જાડેજાની આગેવાનીમાં જાગળત નાગરીકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપે ઝુંબેશ ચલાવીને નિષ્‍ણાત ના માર્ગદર્શન હેઠળ નિષ્‍ણાંત એજન્‍સીએ સુંદર કામ પુર્ણ કર્યું. મટીરીયલના ભાવો વધવાને કારણે આ મહેલના અડધા હિસ્‍સાનું એટલે કે ફેઝ-૧નું કામ પૂર્ણ થયું છે. પરંતુ બાકીના બીજા તબક્કાના કામ માટે તાત્‍કાલિક  ગ્રાન્‍ટ ફાળવવા રાજ્‍ય સરકારને રજુઆત કરી હતી.  દરિયા મહેલની મુલાકાતમાં અર્જુનભાઈ મોઢવાડીયા સાથે આર.જી.ટી કોલેજના અલ્‍તાફભાઈ રાઠોડ, કન્‍ઝર્વેટરી ગ્રુપના સભ્‍યો લાખણશીભાઇ ગોરાણીયા, નિશાંતભાઇ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(2:32 pm IST)