Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુરેન્‍દ્રનગરના બે એપાર્ટમેન્‍ટમાં ત્રણ ફલેટમાં તસ્‍કરો ખાબક્‍યા : ધોળા દિ'એ પોણા બે લાખના ઘરેણા ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૯: સુરેન્‍દ્રનગરના જોરાવરનગર વિસ્‍તારમાં આવેલ ર એપાર્ટમેન્‍ટના ૩ ફલેટમાં તસ્‍કરોએ ધોળા દિવસે ચોરી કરી હતી. જેમાં અરીહંત એપાર્ટમેન્‍ટમાંથી સોના-ચાંદીના ઘરેણા સહીત રૂપીયા ૧,૭૧,૫૦૦ની મત્તા ચોરાઈ છે. જયારે મહાવીર એપાર્ટમેન્‍ટના ર ફલેટમાં તસ્‍કરોને કાઈ ખાસ હાથ લાગ્‍યુ ન હતુ. બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્‍દ્રનગર જિલ્લામાં ફરી ચોરીના બનાવોએ માઝા મુકી છે. થોડા દિવસ પહેલા મૂળી તાલુકામાં કરીયાણાની દુકાનમાં તસ્‍કરોએ ચોરી કરી હતી. ત્‍યારે જોરાવરનગર વિસ્‍તારમાં આવેલ ર એપાર્ટમેન્‍ટના ૩ ફલેટમાં ચોરી થયાની વિગતો સામે આવી રહી છે.
જોરાવરનગરના અરીહંત એપાર્ટમેન્‍ટમાં રહેતા ૫૩ વર્ષીય દીપક પ્રવીણચંદ્ર ભટ્ટ વઢવાણમાં સાઉન્‍ડ સર્વીસનો વ્‍યવસાય કરે છે. તા. ૧૭ના રોજ બપોરે તેઓ પરીવાર સાથે ગાંધીનગરમાં લગ્નમાં જવા નીકળ્‍યા હતા. જયારે તેમને ત્‍યાં સાઉન્‍ડ ઓપરેટર તરીકે છેલ્લા ૬ વર્ષથી કામ કરતો નવદ્યણભાઈ કમાભાઈ વાટુકીયા તેમના દ્યરે હાજર હતો. સાંજે ૪ વાગે નવઘણભાઈ ટયુશનમાં જવા ગયો હતો. ત્‍યારબાદ પોણા પાંચ કલાકે લીલાબેન નાનુભાઈ ડાભી પૈસા દેવા દીપકભાઈના દ્યરે આવ્‍યા હતા. આથી દીપકભાઈના પડોશી દક્ષાબેન હીતેશભાઈ ચાંપાનેરીએ દીપકભાઈને ફોન કર્યો હતો. જેમાં દીપકભાઈના ઘરના દરવાજાનો નકુચો તુટેલો અને દરવાજો ખુલો હોવાનું જણાવતા દીપકભાઈએ નવદ્યણભાઈને ફોન કરતા તેઓ તાત્‍કાલીક દ્યરે પહોંચ્‍યો હતો. જયારે ગાંધીનગરથી દીપકભાઈનો પરીવાર પણ સાંજના સમયે દ્યરે આવી જોતા ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા સહીત રૂપીયા ૧,૭૧,૫૦૦ની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી. બનાવની જોરાવરનગર પોલીસ મથકે દીપકભાઈએ અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
૪૫ મીનીટમાં જ તસ્‍કરોએ ચોરીને અંજામ આપ્‍યો
જોરાવરનગરના અરીહંત એપાર્ટમેન્‍ટનો વિસ્‍તાર ગલી વિસ્‍તારમાં આવેલો છે. જયાં લોકોની અવરજવર ખુબ ઓછી હોય છે. બપોરે ૪ વાગે નવદ્યણભાઈ ટયુશને ગયા બાદ ૪-૪૫ કલાકે ચોરીની ખબર પડી હતી. આમ, ૪૫ મીનીટમાં જ તસ્‍કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્‍યો હતો.
ર ફલેટમાં પણ ખાબકયા, કંઈ હાથ ન લાગ્‍યુ
અરીહંત એપાર્ટમેન્‍ટમાં તસ્‍કરોએ ચોરી કર્યા બાદ નજીકમાં જ આવેલા મહાવીર એપાર્ટમેન્‍ટમાં પણ તસ્‍કરો પહોંચ્‍યા હતા. મહાવીર એપાર્ટમેન્‍ટમાં રહેતા વિજય નંદલાલ સોલંકી પરીવાર સાથે રાજકોટના વડાલીમાં પરીવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્‍યારે તસ્‍કરોએ બંધ મકાનને નીશાન બનાવ્‍યુ હતુ. જેમાં ચાંદીના છડા ચોરાયા હતા. આ ઉપરાંત અમદાવાદ રહેતા વૃધ્‍ધ હસમુખલાલ ભીખાલાલ શાહના ઘરે પણ તાળા તુટયા હતા. પરંતુ તેમના દ્યરમાંથી કોઈ મત્તા ચોરાઈ ન હતી.
તસ્‍કરો આ ઘટનામાં  ૩૦ હજારનું દોઢ તોલા સોનાનું પેન્‍ડલ, બુટ્ટી અને ડોકીયુ, ૮૦ હજારની ૪ તોલા સોનાની ૫ વીંટી, ૩૦ હજારનો દોઢ તોલાનો સોનાનો ચેન, ૩૦ હજારનું દોઢ તોલાનું સોનાનું બ્રેસલેટ, ૧૫૦૦ની કિમતના ચાંદીના ૧૦૦ ગ્રામના છડા ચોરી ગયા છે.

 

(11:11 am IST)