Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડિયામાં ગૌમાતાની સાક્ષીએ અગિયાર દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા

ગોવર્ધન ગૌશાળાના આંગણે યોજાયો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવ : કોરોનાકાળમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારાઓની વહારે ગોવર્ધન ગૌશાળા : ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ, લલિતભાઇ રાદડિયા, સ્‍થાનિક રાજકીય આગેવાનો, સાધુ-સંતો અને દાતાઓની હાજરી

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા,તા. ૧૯: કોરોના કાળના કપરા સમયમાં સમગ્ર દેશ અને દુનિયા નાᅠ લોકો સામે અનેક પારાવાર મુશ્‍કેલીઓ ઉભી કરી હતી. આ કપરા સમયમાં કોઈ એ પોતાના નજીક ના સ્‍વજનᅠ જન્‍મદાતા એવી ‘માં'તો કોઈ એ પરિવાર નુ ગુજરાન ચલાવનાર ‘પિતા'ગુમાવ્‍યા છે. ત્‍યારે અનેક દીકરીઓ એ તેના માતા પિતા ના હાથે પોતાનું કન્‍યાદાન થાય તેવા સ્‍વપ્‍ન જોયા હશે તે તૂટતાં જોવા મળ્‍યા આ કપરાકાળમાં જે દીકરીઓ એ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી અગિયાર દીકરીઓ માટે સર્વજ્ઞાતિ સમુહલગ્નનુ આયોજન વડિયાની ગોવર્ધન ગૌ શાળાના નેજા નીચે સેવાભાવી લોકો,દાતાઓ અને રાજકીય ધાર્મિક આગેવાનોના સહયોગથી કરવામાં આવ્‍યુ હતુ.

જેમાં વડિયાની મુખ્‍ય બજારમાં અગિયાર વરરાજાઓ ડીજે અને બેન્‍ડના તાલે વાજતે ગાજતે રસની રમઝટ સાથે સોરઠીયા મહાજન વાડીથી ગોવર્ધન ગૌશાળા સુધી વરઘોડો યોજાયો હતો જેમા વડિયા વાસીઓ પણ જોડાયા હતા. આ સમુહ લગ્નોત્‍સવ માં કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અગિયાર (૧૧)દીકરીઓને માતા પિતાની ખોટ પુરી તેમનું કન્‍યાદાન ગોવર્ધન ગૌશાળાની સમિતિ એ કર્યું હતુ. આ જાજરમાન લગ્નોત્‍સવ માં જોડાનાર દીકરીઓનો સાધુ સંતો, સામાજિક,રાજકીય આગેવાનો અને વિશાળ ગામલોકોની ઉપસ્‍થિતિમાં પૂર્ણ કરીયાવર સાથે વિદાઈ આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ ગોવર્ધન ગૌશાળાના પટાગણમાં બે દિવસ ચાલ્‍યો હતો જેમા પ્રથમ દિવસે બટુક ભોજન, સુંદરકાંડ અને ભવ્‍ય દાંડિયારાસનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જયારે બીજા દિવસે ભવ્‍ય લગ્નોત્‍સવનુ આયોજન જેનુ સાક્ષી બનવા સમગ્ર વડિયા ગામ જોડાયું હતું. ત્‍યારે વડિયાની ગોવર્ધન ગૌશાળા ના આંગણેᅠ માનવ મહેરામણ ઉમટ્‍યો હોય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ, લલિતભાઈ રાદડિયા, સ્‍થાનિક રાજકીય આગેવાનો સાધુ સંતો અને દાતાઓની હાજરીમાં યોજાયો હતો. જેમા મહા પ્રસાદ નો લાભ પણ મોટી સંખ્‍યામાં લોકોએ લીધો હતો. સાથે આ કાર્યક્રમ માં ગોપાલ સુતરીયા દ્વારા ગાય આધારિત ખેતી પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતુ.આ સમગ્ર આયોજનᅠ વડિયાના નવ નિયુક્‍ત સરપંચ મનિષ ઢોલરીયાના નેતૃત્‍વમાં ગોવર્ધન ગૌશાળા સમિતિ અને ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવ્‍યો હતો.આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્‍સવ યોજીᅠ વડિયાની ગોવર્ધન ગૌશાળાની ગૌસેવા સાથે માનવ સેવા રૂપી સેવાકાર્યની જયોતને વધુ પ્રજવલિત કરી હતી. તેનો પ્રકાશ વધુને વધુ ફેલાય તેવો પ્રયત્‍ન કરવા કાર્યકરો અને આયોજકો એ આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો.

(10:13 am IST)