Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોનાને મ્હાત આપી

વિડિયોમાં તંત્રની પ્રસંશા કરી :કોરોનાની બીજી લહેરમાં મારી એક ભૂલના કારણે મારો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો : વસોયા

અમદાવાદ,તા.૧૮ : પાટીદાર નેતા અને ધોરાજી કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોના વાયરસને હરાવ્યો છે. તેમનો ૮ એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે તેમનો આખો પરિવાર આ ઝપેટમાં આવી ગયો હતો. હાલ તેઓએ જ્યારે કોરોનાને માત આપી છે ત્યારે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમમે તંત્રની કામગીરીની પ્રસંશા કરી છે અને લોકોને ઘણો જ ભાવુક મેસેજ આપ્યો છે. લલિત વસોયાએ વીડિયોમાં જણાવ્યું કે, કોરોનાની મહામારીથી આખો દેશ પીડાય રહ્યો છે. ત્યારે સરકારની નીતિ રીતિનો વિરોધ કરવા માટે નહીં પરંતુ આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું. મને મારી ઇમ્યુનિટી પાવર પણ ઘણો ગર્વ હતો. કોરોના આવ્યો છે ત્યારથી મેં કોઇ ગાઇડલાઇનનું પાલન કર્યું નથી. કોરોનાની બીજી લહેરમાં મારી એક ભૂલના કારણે મારો આખો પરિવાર, માતૃશ્રી, ધર્મપત્ની, પુત્ર, પુત્રવધૂ, પૌત્ર કોરોનાની ઝપેટમાં આવ્યાં. બહું અઘરૃં કામ છે એક રૂમની અંદર એકલા રહેવું અનેક યાતનાઓ ભોગવવી પડે છે. તેના કરતા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરો.

           જરૂર વગર ઘર બહાર ન નીકળો. સરકારની અનેક ભૂલો છે પરંતુ આ ટિકા કરવાનો સમય નથી. સ્મશાનોમાં લાઇન લાગે છે, રેમડેસિવીર ઇન્જેક્શન નથી, ઓક્સિજન માટે લાઇનો લાગે છે, આ કરૂણ પરિસ્થિતિ છે. આમાંથી આપણે જ આપણી જાતને બચાવી શકીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારી તંત્ર, અધિકારીઓ ઘણું કામ કરે છે. તેમણે એક કિસ્સો ટાંકીને એડિશનલ કલેક્ટર પંડ્યા સાહેબ, ગામવિકાસના નિયામક જે.કે. પટેલ અને મિયાણીને સેલ્યુટ કરૃં છું. તેમણે જણાવ્યું કે, હું ટિકા કરતી વખતે ટિકા કરતા જરાપણ ખચકાતો નથી પરંતુ સારી કામગીરીની કદર આપણે કરવી જોઇએ. મારી આપ સહુને વિનંતી છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. તેમણે જણાવ્યું કે, 'મેં હૉસ્પિટલમાં પડ્યા પડ્યા ઉપલેટા, ધોરાજીની ચિંતા કરી છે. ઉપલેટા કોરોનની હૉસ્પટિલ તાત્કાલિક ચાલુ થાય, ભાજપના મિત્રો પણ પ્રયત્નો કરે છે. હું પણ કરૃં છું. આજે મને આરોગ્ય મંત્રીએ ખાત્રી આપી છે કે, ઉપલેટામાં તાકીદે હૉસ્પિટલ ચાલુ થાય તે માટે તંત્રને સૂચના આપી છે.' આ સાથે તેમણે ફરીથી જણાવ્યું કે, 'તમને બે હાથ જોડીને વિનંતી કરૃં છું કે, ઘરમાં રહો અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરો. કોરોનાથી તમે બચો અને પરિવારને બચાવો.'

(8:13 pm IST)