Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અમરેલી જીલ્લામાં 25 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોની માઠીઃ હવે મેઘરાજા મહેર ન કરે તો પાક નિષ્‍ફળ જવાની ભીતિઃ એક તરફ વાવાઝોડુ અને બીજી તરફ વરસાદ ખેંચાતા ભારે મુશ્‍કેલી

બે-પાંચ દિવસમાં વરસાદ ન વરસે તો પાક બળી જવાની સંભાવના

અમરેલી: તૌકતે વાવાઝોડા બાદ સારો વરસાદ થતાં ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર તો કરી લીધું હતું. પરંતુ અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝાયા છે અને જો વરસાદ થોડા દિવસોમાં નહીં આવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આકાશ તરફ નિરાશ નજરે મીટ માંડીને અમરેલીના ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે. આકાશમાં વાદળો બંધાય છે, પરંતુ વરસાદ થતો નથી. અમરેલીના ખેડૂતો દૂર દૂર સુધી વરસાદની રાહ જોઈ મેઘરાજાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે, મેહુલિયા હવે તો આવ. અમરેલી જિલ્લામાં પાંચ લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે. જેમાં ત્રણ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર છે અને બે લાખ હેક્ટરમાં મગફળી, સોયાબીન, તલ તેમજ ઘાસચારા સહિતનું અન્ય પાકોનું વાવેતર છે. વાવાઝોડા બાદ સારો વરસાદ થતાં અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું હતું. પરંતુ છેલ્લા 25 દિવસથી અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખેંચાયો છે. ત્યારે તલ, કપાસ, મગફળી, સોયાબીનનો પાક હવે ધીરે ધીરે કરમાઈ રહ્યો છે. અને જો વરસાદ નહિ આવે તો આ પાક નિષ્ફળ જશે ત્યારે તલ, મગફળી, કપાસના કુમળા છોડ પણ હવે વધારે ખેંચી શકે તેમ નથી. જો બે પાંચ દિવસમાં વરસાદ નહીં થાય પાક નિષ્ફળ જવાની ખેડૂતોને પૂરેપૂરી ભીતી છે.

સાવરકુંડલાના ખેડૂત હિતેશભાઈ પટેલ કહે છે કે, લાખો રૂપિયાના ખર્ચે બિયારણ અને ખાતર લાવી ખેડૂતોએ ભગવાન ભરોસે ખેતરમાં વાવી દીધુ છે. ત્યારે આકાશમાં બંધાતા વાદળો હવે ખેડૂતોને છેતરી રહ્યા છે. ખેડૂતો પણ જાય તો કહા જાયેની સ્થિતિમાં મૂકાયા છે અને કપાસ તેમજ તલ, કપાસ, મગફળીનો પાક  નિષ્ફળ જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહયા છે. પરંતુ જો વરસાદ થોડા દિવસમાં થઇ જાય તલ, કપાસ, મગફળીના પાકને બચાવી લેવાય તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.

અન્ય એક ખેડૂત ભાનુભાઈ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદ, વાવાઝોડું જેવા અનેક માર સહન કરીને આ વર્ષે સારા વરસાદની શરૂઆતમાં ખેડૂતોએ કરેલું વાવેતર હવે આકાશમાં બંધાઈ રહેલા છેતરામણા વાદળો કદાચ ખેડૂતોને ફરી પાયમાલ કરે તો નવાઈ નહિ. જોકે હજુ થોડા દિવસમાં વરસાદ થાય તો બધું જ સારુ થઈ જશે. પરંતુ જોવાનું એ રહે છે કે ક્યારે મેઘરાજા ખેડૂતો ઉપર મહેરબાન થશે. જો વરસાદ આવે તો તલ, કપાસ, મગફળી અને અન્ય પાકોને નવું જીવતદાન મળી શકે તેમ છે. પણ નહિ આવે તો આ તમામ પાક મુરઝાઈ જશે. અને સાથે ખેડૂતોની મહેનત પણ બરબાદ થશે.

(4:10 pm IST)