Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કચ્છના ગેડી ગામે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી : અંધશ્રધ્ધા ઉલેચવા ગામ સંકલ્પબધ્ધ

રાજકોટ તા. ૧૪ : ભુજ કચ્છના ગેડી ગામે કોળી પરિવારની દિકરી પીયર આવ્યા બાદ ગુમ થયાના બનાવમાં સતના પારખા કરવા છ વ્યકિતને ઉકળતા તેલમાં હાથ બોળાવવાના અંધશ્રધ્ધાના કિસ્સાનો તાગ મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ ગેડી ગામે પહોંચી હતી.

જાથાના જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ તેલથી દાઝી ગયેલ લોકોને સારવાર અર્થે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવમાં જવાબદારોની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે.

દરમિયાન વિજ્ઞાન જાથા દ્વારા ઇસાર સંસ્થાના સહયોગથી પીડિત પરીવારો સાથે બેઠક કરી હતી. તેમજ આવા બનાવનું પૂનરાવર્તન ન થાય તે માટે ગામ લોકોને સમજાવ્યા હતા. ગામના લોકોએ પણ પૂર્ણ સહકાર આપી અંધશ્રધ્ધા નાબુદીના સંકલ્પ લીધા હતા.

ગામ સરપંચ શંભુભાઇએ અંતમાં આભાર વિધિ કરી ગ્રામજનોનો કાયમી ટેમો હોવાની ખાત્રી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમમાં ઇસાર સંસ્થાના સેજલ જોષી, નસીમ બ્લોચ, ખોડા પરમાર, સંજય ડાભી, જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહીલ, ખોડા ચાચાપરા, રણજીતસિંહ વાઘેલા, જનકભાઇ સોની, લાકડીયા ગામના જાગૃતો, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, ચાંદનીબેન વગેરે સાથે જોડાયા હતા. જાથાની વિચારધારા સાથે સહમત લોકો મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:50 pm IST)