Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મોરબી જીલ્લામાં સરકારી લો કોલેજ ચાલુ કરવા પી.ડી.માનસેતાની રજુઆત રઘુવંશી એજ્‍યુકેશન સોશ્‍યલ ગ્રુપના પ્રમુખે બ્રિજેશભાઇ મેરજાને પત્ર પાઠવ્‍યો

મોરબી,તા. ૧૩ : જીલ્લામાં હાલમાં બે પ્રાઇવેટ લો કોલેજ કાર્યરત છે જો કે, સરકારી લો કોલેજ નથી જેથી મોરબીના રઘુવંશી એજ્‍યુકેશન સોશ્‍યલ ગ્રુપ પ્રમુખ દ્વારા આ મુદ્દે યોગ્‍ય કાર્યવાહી કરવા માટે રાજ્‍યના પંચાયત વિભાગના મંત્રીની રજુઆત કરવામાં આવી છે અને તાત્‍કાલીક સરકારી લો કોલેજ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 મોરબીના રઘુવંશી એજ્‍યુકેશન સોશ્‍યલ ગ્રુપ પ્રમુખ પી.ડી. મનસેતાએ હાલમાં મોરબી માળીયા વિસ્‍તારના ધારાસભ્‍ય અને ગ્રામ પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજુઆત કરીને મોરબી જીલ્લામાં સરકારી લો કોલેજ શરૂ કરવા માંગણી કરેલ છે જેમાં તેને જણાવ્‍યુ છે કે, મોરબી જીલ્લો બન્‍યો તેને આશરે આઠ વર્ષ થયા છે. અને મોરબી જીલ્લામાં વકીલ બનવા માટે વકીલાતનો અભ્‍યાસ કરવો પડે છે. અને આ જીલ્લામાં એલએલબીનો અભ્‍યાસ કરવા માટે હાલ ગર્વમેન્‍ટ-સરકારી લો કોલેજ નથી પરંતુ પ્રાઇવેટ બે લો કોલેજ કાર્યરત છે અને તેમાં અભ્‍યાસ કરનાર વિદ્યાર્થીઓએ લોના પુસ્‍તકોથી લઇને મોટી ફી ભરવી પડે છે.

મોરબી જીલ્લામાં મોરબી સીટી ઉપરાંત તાલુકાઓના તેમજ ગામડેથી આવવા જવા માટે મોટો ખર્ચ થાય છે. જે દરેક વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓને પરવડે તેમ નથી. જેથી નાના ગરીબ, મધ્‍યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે જીલ્લામાં સરકારી લો કોલેજ ચાલુ થાય તે જરૂરી છે અને મોરબી જીલ્લામાં નવું અદ્યતન કોર્ટ બીલ્‍ડીંગ શનાળા પાસે બનાવાનું છે તે માટેની જગ્‍યા પણ નક્કી થઇ ગયેલ છે તેમજ સરકારી મેડીકલ કોલેજનું પણ અદ્યતન બિલ્‍ડીગ બનાવવાનું છે તેની સાથે નવી સરકારી લો કોલેજ પણ જીલ્લામાં કાર્યરત થાય તેવી તેઓએ માંગ કરી છે.

વધુમાં તેઓએ મંત્રીની જણાવ્‍યુ છે કે, ૧૯૭૯માં હોનારત પહેલા હાલમાં જ્‍યા જી.જે.શેઠ કોમર્સ કોલેજ ચાલુ છે. ત્‍યાં નજરબાગ ભડીયાદ રોડ પાસે એન.જી.મહેતા હાઇસ્‍કુલમાં પ્રથમ સરકારી લો કોલેજ કાર્યરત હતી. ત્‍યારબાદ તે બંધ થઇ ગયેલ છે. જેથી મોરબી અને ગામડાના યુવાનોને રાજકોટ એલ.એલ.બી.નો અભ્‍યાસ કરવો પડતો હતો. ત્‍યારે મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓએ હેરાન ન થાય તે માટે અને ખોટા ખર્ચાઓ ન કરવા પડે તે હેતુથી સરકારી લો કોલેજને તાત્‍કાલીક શરૂ કરવા આવે તે જરૂરી છે.

(1:14 pm IST)