Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

યાત્રાધામ દ્વારકામાં શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણીજી વિવાહની ઉજવણી

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં આવેલ પૌરાણિક રુક્ષ્મણીજી મંદિરની પરંપરા અનુસાર ભગવાન શ્રીદ્વારકાધીશ અને માતા રુક્ષ્મણીનો વિવાહ ઉત્‍સવ ભાવભક્‍તિ પુર્વક અને ધામધૂમથી ઉજવાયો.ભગવાન શ્રીદ્વારકાધીશ રુક્ષ્મણીજીનું હરણ કરી ચૈત્ર સુદ એકાદશીનાં માધવપુર મુકામે બ્રાહ્મણ પાસે વૈદિક વિધિ થી લગ્ન કર્યા હતા. જેથી ચૈત્ર સુદ અગિયારસના દ્વારકામાં આવેલ રૂક્ષ્મણી માતાજીના મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીનાં લગ્ન ઉત્‍સવ ઉજવાય છે. પોરબંદર સાંસદ રમેશભાઈ લવજીભાઈ ધડુક તથા ગોંડલ દાસી જીવણ સત્‍સંગ મંડળ ના યજમાન પદ હેઠળ આ ૩ દિવસ સુધી ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦ તા. સાંજીના ગીત તથા ભજન સંધ્‍યા, તા.૧૧ ના ભગવાન શ્રીદ્વારકાધીશ અને માતા રુક્ષ્મણીનો વરઘોડો અને ૧૨ તા. સવારે છપ્‍પન ભોગ અને સાંજે લગ્ન ઉત્‍સવ ઉજવાયો હતો. પુજારી અરુણભાઈ દ્વારા સૌ ભક્‍તોજનોને લગ્ન ઉત્‍સવ અને જાન જમણવાર ની પ્રભુ પ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું હોવાથી મોટી સંખ્‍યામાં ભાવિકો અને દ્વારકાવાસીઓ લગ્ન ઉત્‍સવમાં સામેલ થઇ ધન્‍યતા અનુભવી હતી.(તસ્‍વીર - અહેવાલઃ વૃંદા પાઢિયા)

(11:56 am IST)