Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ટંકારાના વેપારી સહિત બે પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર શકમંદો પોલીસના હાથવેંતમાં

ખંડણી માંગવાની બે-બે ઘટનાથી વેપારી આલમમાં ફફડાટ : ટંકારાના સ્‍થાનીક અને બહારના ઇસમોની સંડોવણી ખુલી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : ટંકારામાં વેપારી સહિત બે વ્‍યકિતઓ પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર ઇસમો ઓળખાઇ ગયાનું અને આ શખ્‍સો પોલીસના હાથવેંતમાં હોવાનું બહાર આવેલ છે.

ખંડણી કેસમાં ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ધર્મભકિત સોસાયટીમાં રહેતા અને લતીપર રોડ ઉપર સરિતા નામની પાનબીડીની હોલસેલની દુકાન ધરાવતા અરવિંદભાઇ સવજીભાઇ કકાસણીયાના પિતા સવજીભાઈની દુકાનમાં શંકાસ્‍પદ હાલતમાં માથામાં ઈજાઓ થતા મૃત્‍યુ નીપજયા બાદ અરવિંદભાઇના મોબાઈલ ફોનમાં અલગ-અલગ નંબરથી અજાણ્‍યા શખ્‍સે ફોન કરી ૧૦ લાખ રૂપિયા આપી જવા જણાવી તારા પિતાજીને મારી નાખ્‍યા હવે પૈસા ન આપે તો તને પતાવી દેશી તેવી ધમકી આપી ફોન કરવાનું ચાલુ રાખતા અરવિંદભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી હતી.

દરમિયાન ખંડણી માટે સતત ફોન આવવાનું ચાલુ રાખી અજાણ્‍યા ઈસમોએ કહે તે જગ્‍યાએ નાણાં આપવા માંગ કરતા અંતે પોલીસની યુક્‍તિ મુજબ થેલામાં કાગળભરી ટંકારા સર્કિટ હાઉસ નજીકની જગ્‍યાએ થેલો મુકવાનું નક્કી થયું હતું. જો કે શાતીર દિમાગ આરોપીઓ પરિસ્‍થિતિ પામી જતા પ્‍લેટિના મોટર સાયકલ ઉપર આંટાફેરા કરી નાસી ગયા હતા. આ મામલે પોલીસે શકમંદોને સકંજામાં લઈ અજાણ્‍યો વ્‍યકિત તથા પોલીસને વોચમા બેઠેલ જોઇ ભાગી જનાર થેલો લેવા આવનાર બે અજાણ્‍યા વ્‍યકિત વિરૂદ્ધ ટંકારા પોલીસે આઇપીસી કલમ ૩૮૭,૫૦૭,૧૧૪ મુજબ ગુન્‍હો નોંધ્‍યો છે.

ખંડણી માંગવાના આવા જ બીજા કિસ્‍સામાં ટંકારામાંની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને લતીપર ચોકડી નજીક ભારત રેફ્રિજરેટર નામની દુકાન ધરાવતા અશોકભાઈ મોહનભાઈ મુછાળાને પણ અલગ અલગ નંબર થી ફોન કરનાર અજાણ્‍યા વ્‍યક્‍તી દ્વારા તેમના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપીયા પાંચલાખની માંગણી કરી રૂપિયા મારવાડી કોલેજ સામે ગોળ ભૂંગળામાં થેલો મૂકી જવા જણાવી વારંવાર ફોન કરવાનું ચાલુ રાખતા આ કેસમાં પણ પોલીસે આરોપીઓનું પગેરૂ દબાવતા ટંકારાના સ્‍થાનિક તેમજ બહારના ઈસમોની સંડોવણી બહાર આવી હોવાનું જાણવા મળે છે.

હાલમાં ટંકારા પોલીસે બન્ને કેસમાં ગુન્‍હો નોંધી સીસીટીવી કેમેરા અને મોબાઈલ લોકેશનના આધારે મહત્‍વની સફળતા મેળવી હોવાનું અને ગુન્‍હેગારો પોલીસની હાથવેંતમાં હોવાનું અને ટૂંક સમયમાં જ કડાકા ભડાકા થવાના સંકેતો મળી રહ્યા છે.નાના એવા ટંકારામાં ખંડણીના બબ્‍બે બનાવો સામે આવતા વેપારી આલમમાં ફફડાટ મચી ગયો છે અને વૃધ્‍ધ વેપારીના મૃત્‍યુ મામલે પણ રહસ્‍ય ઉજાગર થવાના સંકેતો મળી રહ્યા છે.

(12:20 pm IST)