Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

હજનારી સમ્‍પ સાથે જોડાયેલા વધારાના ત્રણ ગામોનું પાણી જોડાણ રદ ન થાય તો આંદોલન

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા,.૧૩: આમરણ ચોવીસી પંથકના ર૪ જેટલા ગામોને વર્ષોથી મોરબી માળીયા (મીં) જોડીયા પાણી પુરવઠા જુથ યોજના અંતર્ગત હજનારી સમ્‍પ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે. હાલ ત્રણ દિવસે પીવાના પાણીનું વિતરણ થઇ રહયું છે ત્‍યારે ઉદ્યોગકારોને વ્‍હાલા થવા પીપળીયા સમ્‍પમાં કુંતાસી, ખીરસરા, બોડકી ગામોનું તાજેતરમાં હજનારી સમ્‍પ સાથે જોડાણ કરી આમરણ ચોવીસી પંથકના ગામોની પાણીની વિતરણ વ્‍યવસ્‍થા ખોરંભે પાડવાનો તંત્ર દ્વારા જ પ્રયાસ થતાં વિરોધ વંટોળ ફુંકાયો છે.

કાલાવડના ધારાસભ્‍ય પ્રવીણભાઇ મુસડીયા, જોડીયા તા.પં. પ્રમુખ નાથાભાઇ સાવરીયા, જી.પં. સદસ્‍ય ગાંભવાની આગેવાની હેઠળ આમરણ-ડાયમંડનગર-બેલા-ઉંટબેટ-ફુડસર-ખારચીયા-જીવાપર-ઓમનગર વગેરે ગામોના સરપંચો સહીતના આગેવાનોએ મોરબી જીલ્લા કલેકટર  તેમજ અધિક્ષક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ રાજકોટને આવેદનપત્ર પાઠવી વધારાના ત્રણ ગામોનું જોડાણ તાકીદે રદ કરવા માંગણી કરી હતી. તાકીદે ઘટતુ કરવામાં નહી આવે તો તા.૧૫/૪ થી ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

આગેવાનોએ જણાવ્‍યું છે કે આમરણ ચોવીસી પંથકના ૨૪ જેટલા નાના મોટા ગામોને હજનારી ફિલ્‍ટર સમ્‍પ મારફત પીવાનું પાણી હાલ ત્રણ દવસે  વિતરણ થાય છે. તેમાંય પીપળીયા સમ્‍પ હેઠળના કુંતાસી, ખીરસરા, બોડકી ગામોનો વધારો કરાતા આમરણ ચોવીસી પંથકના ગામોની પીવાની પાણીની વ્‍યવસ્‍થા ખોરંભાઇ જવાની દહેશત થઇ છે. કુંતાસી, ખીરસરા, બોડકી ગામોને હાલ પણ પીપળીયા સમ્‍પમાંથી પાણી પુરવઠો મળી જ રહયો છે તેમ છતાય હજનારી સમ્‍પ સાથે વધરાનું જોડાણ કરી વિશેષ સવલત આપવાની જરૂરીયાત શા માટે ઉભી થઇ? અન્‍યના ભોગે આ ત્રણ ગામોને વધારાનું પાણી આપવા શા માટે ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી?

આમરણ

ધારાસભ્‍ય પ્રવીણભાઇ મુસડીયાએ રજુઆત કરતા જણાવ્‍યું છે કે ઉદ્યોગકારો દ્વારા પીપળીયા સમ્‍પ હેઠળની લાઇનનું પાણી યેનકેન પ્રકારે  મેળવી લેવાનું હોય પીપળીયા સમ્‍પમાં સમાવિષ્‍ટ કુંતાસી, ખીરસરા, બોડકી આ ત્રણેય ગામોની  પાણીની ખેંચ સરભર કરવા તેમને હજનારી સમ્‍પ સાથે વધારાનું જોડાણ આપી પરોક્ષ રીતે ઉદ્યોગકારોને લાભ આપવાનો કારસો ઘડાયો હોય તેવુ જોવા મળી રહયું છે. આ પ્રશ્ને તાકીદે ઘટતુ થવુ જરૂરી છે. 

(11:34 am IST)