Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અમરેલી તાલુકાને કુપોષણ મુકત કરવા માટે અભિયાન : ૨૬મીએ ઇશ્વરિયામાં શાળા લોકાર્પણ

સમારંભમાં ભૂપેન્‍દ્રભાઇ, મોરારિબાપુ, હેમામાલીની વગેરે ઉપસ્‍થિત રહેશે : રૂપાલાનું ‘મદદ' ટ્રસ્‍ટ કુપોષિત બાળકોને દતક લેશે : સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા

રાજકોટ,તા. ૧૩ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં કુપોષણ વિરૂધ્‍ધમાં મહાઅભિયાન શરૂ કર્યું છે. જેના ભાગ રૂપે તેઓના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ દ્વારા કુપોષણ અંગેના વૈશ્વિક ધોરણો ધ્‍યાને લઈ જે વિસ્‍તારોમાં કુપોષિત બાળક - બાલિકાઓ મળી આવે તેઓને કુપોષણમાંથી બહાર લાવવા અને સ્‍વસ્‍થ તેમજ સક્ષમ બનાવવા સરકારી વહીવટી - આરોગ્‍ય તંત્ર દ્વારા સામાજિક તેમજ રાજકીય આગેવાનોના સહયોગ તથા લોકભાગીદારી સાથે પોષણક્ષમ આહાર અને યોગ્‍ય દવાઓ નિયમિત રીતે પહોંચાડવાનું ભગીરથ કાર્ય એક અભિયાન સ્‍વરૂપે શરૂ કરવા હાકલ કરી છે.
કેન્‍દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા અમરેલી તાલુકામાં આ અભિયાનના ભાગ રૂપે તા.૨૬ના રોજ ઇશ્વરીયા ખાતે ‘મદદ - શ્રી ઇશ્વરીયા પ્રાથમિક શાળા'ના નવનિર્મિત ભવનના લોકાર્પણનો કાર્યક્રમ શ્રી મોરારીબાપુના કરકમળો દ્વારા આયોજીત થયો છે જેમાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને અન્‍ય મંત્રીશ્રીઓ તેમજ મથુરાના સાંસદ શ્રીમતી હેમામાલીની ઉપસ્‍થિત રહેવાના છે, ત્‍યારે આ જ દિવસે સ્‍વસ્‍થ બાળક-બાલિકા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ છે અને આ સ્‍પર્ધા દ્વારા બાળકોના સારા સ્‍વાસ્‍થય માટે સૌને પ્રોત્‍સાહિત કરવા અને લોકજાગૃતિ લાવવાની સાથે કુપોષણને નાબુદ કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.
અમરેલી તાલુકાના તમામ કુપોષિત બાળકોની વિગતો મેળવીને આ બાળકોને તંદુરસ્‍ત બાળકોની સમકક્ષ લાવવા માટે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજય સરકારના આરોગ્‍ય વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના સહયોગથી તેમજ ‘મદદ ટ્રસ્‍ટ' દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઈને જરૂરી તમામ આર્થિક અને માળખાકીય સુવિધાઓ પુરી પાડીને પ્રથમ તબક્કે અમરેલી તાલુકાને ‘કુપોષણ મુકત તાલુકો' જાહેર કરવા આયોજન કરવામાં આવ્‍યું છે.

 

(11:41 am IST)