Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

૧૦ વર્ષની બાળકીની વારંવાર જાતીય છેડછાડ કરનાર ૫૬ વર્ષના ઢગાને ૨૦ વર્ષની જેલ અને ૧.૧૦ લાખનો દંડ

ભુજ કોર્ટે ૪ વર્ષ જૂના કેસમાં પોકસો હેઠળ ફટકારી આકરી સજા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૩:  નાની બાળકીઓ, સગીર વયની તરુણીઓ અને યુવતીઓ સાથે શારીરિક છેડછાડ અને જાતીય સતામણીના વધતાં જતાં ગુનાઓ વચ્‍ચે ભુજ કોર્ટે વિકૃત માનસ ધરાવતાં ૫૬ વર્ષના પ્રૌઢ ઢગાને આકરી સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્‍યો છે.

જુલાઈ ૨૦૧૮માં મુન્‍દ્રા તા.ના વાઘુરા ગામે રહેતાં ૫૬ વર્ષીય પ્રૌઢ નવીનગર રામગર ગુંસાઈ સામે ગામની ૧૦ વર્ષની બાળકી સાથે જાતીય છેડછાડ કરવાનો ગુનો નોંધાયો હતો. ગામના જ અન્‍ય એક વ્‍યક્‍તિને શંકા જતાં તેણે નવીનગરનો પીછો કરી અને બાળકી સાથે કપડાં ઉતારી તેણીની જાતીય છેડછાડ કરવાનો મોબાઈલમાં વીડિયો ઉતારી આ અંગે ગ્રામજનોને જણ કરી હતી.

તે સંદર્ભે બાળકીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પૂછપરછમાં આરોપી નવીનગરે ત્રણેક વખત ગામની લોહાણા અને જૈન ધર્મશાળામાં લઈ જઈ આ રીતેᅠ બાળકીના કપડાં ઉતારી જાતીય છેડછાડ કરી પોતાની વિકૃતિ સંતોષી હતી. ચોકલેટ અને આઈસ્‍ક્રીમની લાલચ આપી દસ વર્ષની બાળકી સાથે આરોપી આ રીતે જાતીય છેડછાડ કરતો હતો. આ કેસ અંગે ભુજની પોક્‍સો અદાલતના જજ પી.એસ. ગઢવીએ ૭ સાક્ષીઓ અને ૨૬ દસ્‍તાવેજી પુરાવાઓ તપાસી આરોપી નવીનગર રામગર ગુંસાઇને ૨૦ વર્ષની કેદ અને ૧.૧૦ લાખનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્‍યો હતો. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

(10:24 am IST)