Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

નરેન્‍દ્રભાઇ ભુજમાં કે.કે.પટેલ સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલનો વર્ચ્‍યુઅલી પ્રારંભ કરાવશે

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, કેન્‍દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્‍થિતિ : કચ્‍છમાં આરોગ્‍ય સેવા ક્ષેત્રે નવા અધ્‍યાયનો આરંભ : કચ્‍છી લેઉવા પટેલ સમાજ દ્વારા ભવ્‍ય ત્રિદિવસીય લોકાર્પણ સમારોહનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : દેશ અને રાજયમાં વિસ્‍તારની દૃષ્ટિએ અતિ વિશાળ એવા સીમાવર્તી કચ્‍છ જિલ્લામાં આરોગ્‍ય સેવા ક્ષેત્રે નવા અધ્‍યાયનો આરંભ થવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક સેવાનો યશ કચ્‍છના લેઉવા પટેલ સમાજને ફાળે જાય છે. હમેશાં સેવા ક્ષેત્રે અગ્રેસર રહેતાં કચ્‍છના વતનપ્રેમી લેઉવા પટેલ સમાજના દેશ વિદેશના દાતાઓના ઉદાર દિલે અપાયેલા દાન થકી ભુજ મધ્‍યે ૨૦૦ કરોડના ખર્ચે અત્‍યંત આધુનિક સારવાર સાથેની હોસ્‍પિટલનું નિર્માણ સંપન્ન થઈ ચૂક્‍યું છે. તા. ૧૫ મી એપ્રિલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વર્ચ્‍યુઅલ ઉદ્દઘાટન સાથે સમસ્‍ત કચ્‍છ જિલ્લાની પ્રજાની આરોગ્‍ય સેવા અર્થે કે.કે. પટેલ સુપર સ્‍પેશ્‍યલીટી હોસ્‍પિટલનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રી મનસુખ માંડવીયા ભુજમાં આ લોકાર્પણ સમારોહમાં ખાસ ઉપસ્‍થિત રહેશે.ᅠᅠ
અણીના સમયે દર્દીનો જીવ બચાવે તેવી પૂર્ણક્ષાના ટ્રોમા સેન્‍ટર સહિતની અદ્યતન હોસ્‍પિટલનો કચ્‍છમાં અભાવ હતો, પણ હવે ‘આરોગ્‍ય આત્‍મનિર્ભર કચ્‍છ' બને તેવા આશયથી લેઉવા પટેલ સમાજ દ્વારા ભુજમાં કે. કે. પટેલ સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલનું નિર્માણ કરાયું છે. અત્‍યાર સુધી કચ્‍છમાં કિડની, હૃદયરોગ, ન્‍યૂરો, કેન્‍સર સહિતના જટીલ રોગોની સારવાર માટે મર્યાદિત સુવિધાઓ હોઈ વધુ સારવાર માટે દર્દીઓને રાજકોટ અથવા અમદાવાદ જવું પડતું. પણ, હવે કચ્‍છી લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીવર્યો અને સખી દાતાઓ દ્વારા વતન કચ્‍છમાં આધુનિક હોસ્‍પિટલનું નિર્માણ થતાં જટીલ રોગોની આરોગ્‍યસેવા ભુજમાં ઉપલબ્‍ધ થશેᅠ આ હોસ્‍પિટલનું સંચાલન કચ્‍છી લેઉવા પટેલ સમાજ ભુજ, કચ્‍છી લેઉવા પટેલ એજયુકેશન અને મેડિક્‍લ ટ્રસ્‍ટ ભુજ, કચ્‍છી લેઉવા પટેલ યુવક સંઘ ભુજ દ્વારા થશે. આ પ્રસંગે ભવ્‍ય ત્રિદિવસીય મહોત્‍સવનું આયોજન કરાયું છે. તા. ૧૫-૪ના સવારે સામૈયું, સત્‍કાર, હોસ્‍પિટલ તથા વિવિધ સેવા અને વિભાગોનું લોકાર્પણ, હોસ્‍પિટલ નિદર્શન - આરોગ્‍ય જાગૃતિ પ્રદર્શનની સાથોસાથ ફૂડ સ્‍ટોલ અને આર્ટ ગેલેરીનો પ્રારંભ, અતિથિવિશેષ મહાનુભાવો, તેમજ એક કરોડ કે તેથી વધુ દાન આપનાર દાતાશ્રીઓના સન્‍માન તેમજ ઉદ્દઘાટન સહિતના કાર્યક્રમો યોજાશે. કચ્‍છના આરોગ્‍યક્ષેત્રે નવી સુવિધાઓ શરૂ કરવાના ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વર્ચ્‍યુઅલી જોડાશે. કેન્‍દ્રીય આરોગ્‍યમંત્રી અને ગુજરાતના મુખ્‍યમંત્રી આવશે.
 વડાપ્રધાન કાર્યક્રમમો યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વર્ચ્‍યુઅલ રીતે જોડાશે. જયારે ભુજ સ્‍વામિ. મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્‍વામી, વરિષ્ઠ સંતો અને સાંખ્‍યયોગી બહેનોની નિશ્રામાં યોજાનાર આ કાર્યક્રમમાં હોસ્‍પિટલ નામકરણના મુખ્‍યદાતા કે. કે. પટેલ પરિવાર (કે. સોલ્‍ટ મોમ્‍બાસા-સામત્રા), સમાજરત્‍ન હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવાર (મોમ્‍બાસા-ફોટડી) તથા સહયોગી દાતાઓ જોડાશે. બપોર બાદ બીજા સત્રમાં મહેમાન-દાતાશ્રીઓના સન્‍માન, વક્‍તાઓના વ્‍યક્‍તવ્‍યો યોજાશે.
૧૬મીના સવારે સંગઠન સત્રમાં દાતાઓનાં સન્‍માન, સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને બપોર બાદ ‘નિરામયા'માં સન્‍માનો તથા વક્‍તવ્‍ય યોજાશે.ᅠ જયારે ૧૭મી તારીખના યુવા સુવર્ણ જયંતી સત્ર અને બપોર બાદ સંક્‍લ્‍પ સત્રમાં પણ મહાનુભાવો તથા દાતાઓનાં સન્‍માન, વક્‍તવ્‍યો, સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે. આ ત્રિદિવસીય લોકાર્પણ સમારોહના વક્‍તાઓમાં ૧૫મીના બપોરે સિમ્‍સ હોસ્‍પિટલના કાર્ડિયોલોજિસ્‍ટ ડો. ધીરેન શાહ, ૧૬ મી તારીખે સવારે કેન્‍દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, બપોરે ગોપાલભાઇ સુતરિયા, ૧૭મીના સવારે શૈલેશભાઇ સગપરિયા અને બપોરના સત્રમાં વેલજીભાઇ મૂરજીભાઇ ભુડિયા-માધાપરના વક્‍તવ્‍યનું આયોજન કરાયું છે.

 

(10:24 am IST)