Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામનગરથી ૧૧ માર્ચથી ગુમ પરિવાર બેંગલુરૂથી મળી આવ્યો

પોલીસ દ્વારા ગુમ થયેલ પરિવારને કોલ ડિટેઈલ રેકોર્ડને ટ્રેક કરીને બેંગલુરૂમાં શોધી કાઢવામાં આવ્યો હતો : ઉછીના ૧૪ લાખ ચુકવી ન શકતા પરીવારે શહેર છોડ્યું

રાજકોટ , તા.૧૨ : ૧૧ માર્ચે ગુમ થયેલા દંપતી અને તેમના બે બાળકો સહિત એક પરિવારના ચાર સભ્યો સોમવારે કર્ણાટકના બેંગલુરૂમાંથી મળી આવ્યા હતા. જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતા ચારેય ગુમ થયા હતા અને તેમના સંબંધીઓએ સી-ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. તેમના કોલ ડિટેઈલ રેકોર્ડને ટ્રેક કરીને પરિવારને બેંગલુરૂમાં શોધી કાઢવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનામાં હોટેલ ચલાવવા ઉછીના લીધેલા ૧૪ લાખ રૂપિયા ચૂકવી ન શકતા પરિવાર કર્ણાટક જતો રહ્યો હતો. જ્યાં તેઓ એક હોટલમાં જ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
મળતી માહિતી પ્રમાણે જામનગરના ગોકુલનગરમાં ભાડાના મકાનમાં રહેતા અરવિંદભાઈ નીમાવત (૫૨) બજરંગ રેસ્ટોરન્ટ નામની હોટલ ભાડે ચલાવતા હતા. અરવિંદભાઈ સાથે તેમના પત્ની શિલ્પાબેન (૪૫), પુત્રી કિરણ (૨૬), પુત્ર રણજીત (૨૪) અને કરણ (૨૨) ૧૧ માર્ચની રાતે એકસાથે ભેદી રીતે ગુમ થયા હતા. આ અંગેની અરવિંદભાઈના સાળા મનુસખભાઈએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી સીટી સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બેંગ્લુરૂ અને આસપાસના વિસ્તારમાં ગુપ્ત રાહે માહિતી એકઠી કરીને પોલીસે ચોક્કસ લોકેશનના આધારે બેંગ્લુરૂના બાયપાસ ક્રોસ રોડ ગીટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી હોટલમાં વેઈટરનું કામ કરતા પરિવારને શોધી લેતા હાશકારો અનુભવ્યો હતો. પરિવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, કોરોના કાળમાં હોટલનો ધંધો ન ચાલતા સગાવહાલા અને નજીકના મિત્રો પાસેથી ઉછીના ૧૪ લાખ લીધા હતા, પરંતુ પરત ન ચૂકવી શકતા આર્થિક સંકડામણને કારણે કર્ણાટક જતા રહ્યા હતા. હવે આ પરિવાર સુરક્ષિત અને કર્ણાટકમાં જ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧૧ માર્ચના રોજ તેઓ નિત્યક્રમ મુજબ રેસ્ટોરન્ટમાં લોકોને જમાડી નીકળ્યા બાદ ૧૨ તારીખે રેસ્ટોરન્ટે પહોંચ્યા જ ન હતા. આખો પરિવાર ગાયબ થતાં પાડોશીઓને પણ જાણ નહોતી કે તેઓ ક્યાં જતા રહ્યા હતા. તે સમયે એવી પણ ચર્ચા હતી કે, વ્યાજખોરોના ત્રાસથી પરિવાર ઘરે છોડીને જતા રહ્યો છે.

 

(8:29 pm IST)