Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઓઇલ કંપનીઓ ડીલર માર્જીનમાં સુધારો ના કરે ત્યાં સુધી 'નો પરચેઝ' લાગૂ રહેશે : મોરબીના પેટ્રોલપંપ સંચાલકો પણ જોડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર માર્જીનમાં છેલ્લા ચાર વર્ષથી સુધારો કરવામાં આવ્યો નથી જેના વિરોધમાં રાજકોટ પેટ્રોલ-ડીલર એસોના નેજા હેઠળનો પરચેઝ નિયમ લાગુ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં મોરબીના પેટ્રોલ પંપ સંચાલકો પણ જોડાયા છે.

ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર માર્જિનમાં સુધારો જાહેર ના કરાય ત્યાં સુધી આજે તા. ૧૨થી દર ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલનું 'નો પરચેઝ' રહેશે અને દર ગુરૂવારે બપોરે ૧ થી ૨ સુધી ફકત સીએનજી વેચાણ બંધ રહેશે.

આજે તા. ૧૨ ઓગસ્ટને ગુરૂવારથી જીલ્લાના ડીલર ભાઈઓ પેટ્રોલ-ડીઝલ ખરીદીથી દુર રહેશે અને ગ્રાહકોની સગવડ માટે પેટ્રોલ-ડીઝલનું રાબેતા મુજબ વેચાણ ચાલુ રહેશે જે વિરોધમાં મોરબી ખાતેના Iocl, bpcl, hpcl કંપનીના પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરનાર ડીલરો પણ જોડાશે.

આયુષ્માન કાર્ડની કામગીરી શરૂ

કોરોના મહામારીને પગલે માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી પ્રભાવિત થઇ હોય જે હવે પુનઃ શરૂ કરવામાં આવી છે જીલ્લાના પાંચ તાલુકામાં માં કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ કામગીરી શરુ થઇ ચુકી છે. મોરબી જીલ્લાના મોરબી ખાતે તાલુકા પંચાયત કોમ્યુનીટી હોલ, માળિયા તાલુકા પંચાયત, હળવદ તાલુકા હેલ્થ ઓફીસ, વાંકાનેર તાલુકામાં નગર પાલિકા ખાતે અને ટંકારામાં હરબટીયાળી ગ્રામ પંચાયતમાં રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ મોરબી જીલ્લાના પ્રોજેકટ સુપરવાઈઝર બીપીન ઘોડાસરાની યાદી જણાવે છે.

જવાહર નવોદયની પરીક્ષામાં ૧૬૧૭ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા

મોરબી જીલ્લામાં જવાહર નવોદય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોંધાયેલા કુલ ૨૨૭૨ પૈકી ૧૬૧૭ વિદ્યાર્થીઓ હાજર અને ૬૫૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ૧૭ પરીક્ષા સ્થળો પર જવાહર નવોદયની પરીક્ષા યોજવામાં આવી હતી જે પરીક્ષામાં મોરબી જીલ્લાના નોંધાયેલા કુલ ૨૨૭૨ વિદ્યાર્થીઓમાંથી ૬૫૫ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૬૧૭ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

થેલેસીમિયા નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ

લાયન્સ કલબ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.૨૩ ઓગસ્ટના રોજ સોમવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન મચ્છુકઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વ્રજ હોસ્પિટલ સામે, ૧૨ સાવસર પ્લોટ મોરબી ખાતે વિનામૂલ્યે થેલેસીમિયા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબના પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા, સેક્રેટરી દિનેશભાઇ વિડજા, ટ્રેઝરર જયદીપભાઈ બારા, પ્રોજેકટ ચેરમેન વિક્રમભાઈ દફતરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

રોટરી કલબ મોરબી દ્વારા વર્તમાન પરિસ્થિતિ આધારિત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિભાગ એ (ધોરણ ૪ થી ૧૦) માં જીવનમાં રમત ગમતનું મહત્વ અને મારા સ્વપ્નનું ભારત, વિભાગ બી (ધોરણ ૧૧ થી કોલેજ સુધી) માં જો હું સૈનિક હોઉં તો અને મારા મોરબીને પેરીસ બનાવવા શું કરવું ? અને વિભાગ સી (ખુલ્લો વિભાગ) માં સ્વદેશી અપનાવો દેશ બચાવો અને જળ બચાવો જીવન બચાવો વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાશે. જેમાં વિડીયો મોકલવા માટે વ્હોટસ એપ નંબર રૂપેશ પરમાર ૭૯૮૪૩ ૪૨૭૫૬ પર મોકલી આપવા જણાવ્યું છે વિડીયો મોકલવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ છે દરેક વિભાગમાં પ્રથમ અને દ્વિતીય નંબર આપવામાં આવશે તો ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ આપવામાં આવશે તેમ સંસ્થા પ્રમુખ બંસી શેઠ, પ્રોજેકટ ચેરમેન રૂપેશ પરમાર અને સેક્રેટરી રસીદા લાકડાવાલાની યાદી જણાવે છે.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર

ભારતીય ચુંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની સમયસુચી મુજબ પ્રિરીવીઝન એકટીવીટી કામગીરીમાં તા.૦૯/૦૮/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી બી.એલ.ઓ. મારફત હાઉસ ટુ હાઉસ વેરીફિકેશન, સેકશન ફોર્મેશન તથા મતદાન મથક પુનર્ગઠન કરવામાં આવશે.

રીવીઝન એકટીવીટી કામગીરી અંતર્ગત તા.૦૧/૧૧/૨૦૨૧ના રોજ મતદારયાદી સંકલિત મુસદ્દાની પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ હક્ક-દાવા તથા વાંધા અરજી સ્વીકારવાનો સમયગાળો નિશ્યિત કરવામાં આવેલ છે. ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે.

તા.૨૦/૧૨/૨૦૨૧ના રોજ હક્ક-દાવા તથા વાંધા અરજી નિકાલ કરવાનો સમયગાળો રાખવામાં આવેલ છે. તેમજ તા.૦૫/૦૧/૨૦૨૨ના રોજ મતદારયાદી મુસદ્દાની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે. દરેક મતદારો Voter Helpline મોબાઇલ એપ્લિકેશન તથા NVSP PORTAL મારફતે પણ મતદારયાદીમાં નામની નોંધણી, નામમાં સુધારો તથા નામ કમી કરવા માટેના નિયત ફોર્મ ઓનલાઇન રજૂ કરી શકાય છે. જેની તમામ મતદારોએ નોંધ લેવા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જે.બી. પટેલ દ્વારા જણાવાયું છે.

(1:09 pm IST)