Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પશ્ચિમ કચ્છના એસપીના લોક દરબારમાં વ્યાજખોરોની દાદાગીરી સામે આક્રોશ

ભુજમાં વ્યાજખોરથી ત્રાસેલા યુવાને તળાવમાં ઝંપલાવ્યું : સોશ્યલ મિડીયાની કિલપ થકી મિત્રોએ બચાવ્યો

વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : ભુજમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલાઓ દ્વારા આપઘાતના બનાવોએ સર્જેલી ચકચારને પગલે પશ્યિમ કચ્છ એસપી સૌરભસિંઘે લોક દરબાર ના કરેલા આયોજનમાં ૧૭ જેટલા વ્યકિતઓએ પોતાની આપવીતી ની ફરિયાદો રજૂ કરી હતી.

ભુજના હમીરસર તળાવમાં આપઘાત કરનાર ગોકલભાઈ ભીલ ના પુત્રે વ્યાજખોરોના ત્રાસ થી બચાવવા રજૂઆત કરી હતી. ભુજ એમઈએસ ના નોકરિયાત કિશોર રાઠોડે ચાર લાખ રૂપિયા સામે વ્યાજ સહિત બમણી રકમની ચુકવણી કરી દીધી હોવા છતાંયે ફરી વ્યાજખોરો રૂપિયા માંગતા હોવાની ફરિયાદ કરી હતી. નખત્રાણાના શાકભાજીના વ્યાપારી ઉપરાંત માંડવીના વ્યાપારીએ પણ રૂપિયા ચૂકવ્યા પછી ધાકધમકી ઉપરાંત મિલકત લખાવી લેવાતી હોવાનું જણાવ્યું હતું.

લોકદરબાર પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ ભુજના રાજેશ રાજગોર નામના યુવાને સોશ્યલ મીડિયામાં કિલપ વહેતી કરી પોતે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવી હમીરસર તળાવમાં ઝંપલાવ્યું હતું. જેને પગલે તે યુવાનના મિત્રો તળાવે દોડી ગયા હતા અને અંદર ઝંપલાવી ડૂબતા મિત્રને બચાવી લીધો હતો. જોકે, પોલીસ લોક દરબારમાં ભુજના રમેશ ભાનુશાલીએ પોતે અગાઉ લોક દરબારમાં રજૂઆત કર્યા બાદ ૪૫ લાખનું લેણું ચૂકવી આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમ જ વ્યાજે આપનાર ઉપરાંત વ્યાજે લેનાર સામે પણ કાયદો બનાવવા સૂચન કર્યું હતું.

(11:35 am IST)