Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

રેલ્વે દ્વારા મુસાફરોને મળતી સવલતો પુનઃ ચાલુ કરવી જરૂરીઃ ભીખાભાઇ બાંભણીયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૧ :.. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, ભારતમાં કોરોનાની શરૂઆત થવાથી રેલ્વેના અમુક રૂટો બંધ કરવામાં આવેલ અને અમુક રૂટને સ્પે. ટ્રેઇન ગણીને ચાલુ કરવામાં આવેલ પરંતુ રેલ્વે તરફથી મુસાફરોને મળતી સુવિધાઓ બંધ કરવામાં આવેલ.

(૧) જનરલ કોચ. (ર) સીની -સીટીઝનને ટીકીટમાં મળતું વળતર (૩) એસી-કોચમાં ઠંડી લાગે તો ધાબળાની વ્યવસ્થા (૪) લાંબા રૂટમાં ભોજન માટે કેન્ટીન વિગેરેની સુવિધાઓ હાલમાં બંધ છે. તેવું જાણવા મળેલ છે.

હાલ મોટા ભાગના રૂટની રેલ્વે ચાલુ કરવામાં આવેલ છે. કોરોનાની લહેરમાં જ જીવવાનું છે તેથી કોઇપણ પ્રકારનો ભય રાખ્યા વગર તેમ જ ઉપાધી કર્યા વગર રેલ્વે તરફથી મુસાફરોને આપવામાં આવતા લાભાલાભ તેમજ અન્ય મળતી સવલતો ચાલુ કરવી જોઇએ.

જસદણથી બોટાદ રેલ્વે લાઇન ચાલુ કરવા માટે પૂર્વ સાંસદ તરીકે કુંવરજીભાઇ બાવળીયાએ તથા મોહનભાઇ કુંડારીયાએ બોટાદ-જસદણ-ગોંડલ લાઇન ચાલુ કરાવવા પ્રયાસ કરેલા પરંતુ તે અંગે કોઇ કાર્યવાહી થઇ છે કે કેમ તે જાણવા મળેલ નથી.

જસદણ-બોટાદ લાઇન ચાલુ હતી તેને ફરીથી ચાલુ કરાવવા માટે આ આગેવાનો, રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ, મુ.મંત્રી વિજયભાઇ રૂપાણી અને રેલ્વેની કમીટીના આગેવાનો આ બાબતે સક્રિય થઇ રસ લઇ, સમય ફાળવી જસદણથી બોટાદ સુધીના ગામડાનાં તેમજ અન્ય લોકોને સુવિધા મળે તે માટે રજૂઆત કરી આ પ્રશ્નનો ઉકેલ વહેલી તકે લાવે તેમ ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું. 

(3:02 pm IST)