Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ખંભાળીયામાં એક સાથે અનેક પ્રાચીન શિવ મંદિરોના કારણે વિસ્તારનું નામ મહાદેવવાડા

ઘી નદીના કાંઠા ઉપર આવેલ જગ્યામાં ભાવિકો દ્વારા શ્રાવણ મહિનામાં પૂજન-અર્ચનનો મહિમા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૧૧ :. પોટ ગેઈટ પાસેનો એક વિસ્તાર મહાદેવવાડા તરીકે જાણીતો છે જે ખંભાળિયામાં આવનાર નવા વ્યકિતના માટે આશ્ચર્યજનક ગણાય છે.

ઘી નદીના કાંઠા પર આવેલી આ જગ્યામાં વર્ષો જૂના પ્રાચીન શિવ મંદિરો આવેલા છે. જેમાં વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, શ્રીરામ સંકિર્તન મંદિરમાં આવેલા હાટકેશ્વર તથા કાશી વિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ તથા નજીકમાં ભૂતનાથ મહાદેવ પણ આવેલા છે. મોટી સંખ્યામાં મહાદેવ મંદિર હોવાથી આ વિસ્તાર મહાદેવવાડો કહેવયા છે. અહીં બે હનુમાન મંદિર, આશાપુરા મંદિર, શીતળા માતાજી તથા અન્નપૂર્ણા મંદિર પણ છે. શ્રાવણ માસમાં અત્યંત શાંત આ સ્થળે ભાવિકો સવારના પાંચ વાગ્યામાં મહાદેવ હરના નારા સાથે પૂજા કરવા ઉમટે છે. અગાઉ લોકો ઘી નદીમાં સ્નાન કરીને અહીં મહાદેવ પૂજા કરવા માટે આવતા હતા.

ખંભાળિયામાં રામનગરમાં આવેલા શ્રી બાળનાથ મહાદેવ સમગ્ર વિસ્તારમાં તેના અખંડ ધૂણા માટે પ્રસિદ્ધ છે.

રાજસ્થાનના રામદેવડાના સંત બાલનાથનુ ને સ્વપ્નમાં ખંભાળીયામાં જમીનમાં દટાયેલ અખંડ ધૂણો હોવાની જાણ થતા તેઓ ત્યાંથી ખંભાળીયા આવીને ગામના સેવાભાવી તથા રોટલાના રાજા ગણાતા વિઠ્ઠલદાસ સવજાણીનો સાથ લઈને હાલ જે મંદિર છે તે જગ્યામાં ખોદકામ કરતા જમીનમાંથી ધૂણો તે પણ ગરમ નીકળતા તેમણે વિઠ્ઠલભાઈની મદદથી અહીં બાલનાથ મહાદેવની સ્થાપના ૧૯૫૮મા કરી જે મંદિરમાં આજે પણ અખંડ ધૂણો છે. માત્ર ચાર છાણાના ધૂણામાં આખો દિવસ રાખ ગરમ રહે છે !!

હાલ વિઠ્ઠલદાસના વંશના પ્રભુદાસ સવજાણી તથા સવજાણી પરિવાર આ મંદિરનો વિકાસ કરી રહ્યુ છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજી, બાલા હનુમાન, વાછરાદાદાના મંદિરો પણ આવેલા છે તથા શ્રાવણ માસમાં મંદિર પાસે તળાવનો કુદરતી નજારો જોવા લાયક હોય છે.

(1:09 pm IST)