Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જૂનાગઢથી દારૂ સાથે નીકળેલી કારના ડ્રાઇવરે પોલીસથી બચવા મેંદરડા પાસે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

અકસ્માતમાં મૃતકના પત્નીને પણ ઇજા : દારૂ અને કાર કબ્જે

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૧ : જૂનાગઢથી દારૂ સાથે રવાના થયેલી સ્વીફટ કારના ડ્રાઇવરે પીછો કરી રહેલી પોલીસથી બચવામાં કારને રોંગ સાઇડમાં ચલાવી મેંદરડા પાસે અકસ્માત સર્જતા એક બાઇક ચાલકનું મોત થયું હતું અને તેના પત્નીને ઇજા થઇ હતી. પોલીસે દારૂ અને કાર કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતો વિક્રમ ગોગનભાઇ ખુંટી નામનો શખ્સ જીજે૨૫-એએ-૩૮૬૮ નંબરની સ્વીફટ કારમાં વિદેશી દારૂ સાથે મેંદરડા તરફ રવાના થયો હોવાની બાતમી મળતા જૂનાગઢ સી-ડીવીઝનના પીએસઆઇ જે.જે.ગઢવી, કે.આર.વાજા તેમજ ઇન્દ્રજીતસિંહ સહિતના સ્ટાફે કારનો પીછો કર્યો હતો. આ કાર મેંદરડા તરફ રવાના થયાની જાણ થતાં મેંદરડાના પી.એસ.આઇ. મોરી વગેરેએ વોચ ગોઠવી હતી.

આ દરમિયાન મેંદરડાના આલીધ્રા ગામ પાસે હાઇવે પર પોલીસથી બચવા ચાલક વિક્રમ ખુંટીએ કારને રોંગ સાઇડમાં ચલાવતા સામેથી બાઇક સવાર દંપતીને હડફેટેમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ડેડકીયાળી ગામના ટુ-વ્હીલર ચાલક હરેશભાઇ ચનાભાઇ વાઘેલા (ઉ.૩૫)નું મોત થયું હતું અને તેના પત્ની શિલ્પાબેનને ઇજા થતા સારવાર માટ ખસેડવામાં આવેલ.

પોલીસે સ્થળ પર પહોંચી કારમાંથી રૂ. ૧૧૬૦૦ની કિંમતના ઇંગ્લીશ દારૂની ૧૯ બોટલ મળી કાર સહિત રૂ. ૨,૧૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાર ચાલક વિક્રમની ધરપકડ કરી હતી.

દારૂનો જથ્થો જૂનાગઢના ભૂપત ઉર્ફે ભીમો, ડાયાભાઇ શામળાએ મોકલ્યો હોવાનુંખુલતા તેની સામે પણ કાર્યવાહી કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:07 pm IST)