Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ શિક્ષકોની વ્હારે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રદ નહીં થાય તો બહિષ્કાર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૧:શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની ૧૧૦ જેટલી કામગીરી લેવામાં આવે છે કોરોના કાળમાં પણ શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ,શેરી શિક્ષણ ઉપરાંત કોરોના કાળમાં અનેકવિધ કામગીરીઓ કરેલ છે. સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ખુબજ ઉંચી લાયકાત,ઉંચી ટકાવારી સાથે બી.એડ.એ.એડ. પી.ટી.સી.પાસ કરીને ટેટ, ટાટ અને એચ.ટા.ટ.પરીક્ષા પાસ કરીને નોકરીમાં દાખલ થયેલ હોય છે અને વર્ષોનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય છે તેમજ દર વર્ષે અનેકવિધ તાલીમ મેળવી વિષય સજ્જતા પ્રાપ્ત કરતા જ હોય છે છતાં સરકાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણના નામે સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ, સુપરવાઈઝરની નિગરાનીમાં રાજય પરીક્ષા બોર્ડ રાજયના તમામ શિક્ષકો સી.આર.સી. બી.આર.સી.વગેરેની કસોટી લેવાનું તા.૨૪ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ આયોજન કરેલ છે, સરકારના આ નિણર્યથી શિક્ષકોમાં ખુબજ રોષ અને અસંતોષની લાગણી છે. ઓનલાઈન સર્વે મુજબ ૯૭ % શિક્ષકો સર્વેક્ષણ કમ.કસોટી નહિં આપવાનો નિણર્ય કરેલ હોય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ શિક્ષકોની વ્હારે આવ્યું અને રાજય પરીક્ષાની બેઠકમાં પ્રાંત અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ તેમજ ભીખાભાઈ પટેલ અને તમામ પ્રાંત ટીમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ સર્વેક્ષણ ગુરુઓના ગુરુત્વના અપમાન સમાન છે જો સર્વેક્ષણ રદ કરવામાં નહિ આવે તો તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે જરૂર પડ્યે આગામી દિવસોમાં સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ ભાજપ,શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવામાં આવશે.આમ રાજયભરના શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવામાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અગ્રેસર રહ્યું છે ત્યારે રાજય પ્રાથમિક શિક્ષક સંઘ સર્વેક્ષણ બાબતે કેમ મૌન ધારણ કરેલું છે? એ અંગે શિક્ષકો ચર્ચા કરી રહ્યા છે. 

(12:57 pm IST)