Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જૂનાગઢમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૧ : આગામી ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીની હાજરીમા ઉજવાનાર હોઈ, મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલોસને સતર્ક કરી, આગોતરું આયોજન કરી, કાર્યવાહી આરંભી દેવામાં આવેલ છે.

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આઈ.રાઠોડ, સી ડિવિઝનના પીએસઆઇ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા તથા સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો સ્કવોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના આશરે ૧૨ જેટલા પોલીસ અધિકારીઓ તથા ૭૦ જેટલા સ્ટાફના માણસોના વિશાળ કાફલા સાથે સુખનાથ ચોક, નાથીબુ મસ્જિદ,  વિસ્તાર તથા દાતાર રોડ તેમજ ખાડીયા વિસ્તારમાં ભૂતકાળમાં ચોરી, લૂંટ, ખૂન, મારામારી, જુગાર, દારૂ, જેવા ગુન્હાઓમાં પકડાયેલા ગુન્હેગારોનું લિસ્ટ બનાવી કોમ્બિંગ કરી, સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.

જૂનાગઢ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા યોજવામાં આવેલ કોમ્બિન્ગ દરમિયાન સુખનાથ ચોક તથા દાતાર રોડ વિસ્તારમાં ભૂતકાળમાં ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ અને જાણીતા ગુન્હેગારોના ઘરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા, ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓ અને જાણીતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો હતો. તાજેતરમાં જૂનાગઢ પોલીસ દ્વારા ચેક પોષ્ટ શરૂ કરી, સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા અને પોલીસની સતર્કતા માં વધારો થતાં, લૂંટ અને મારામારીના ગુન્હા બન્યા બાદ તુરતજ આરોપીઓને રાઉન્ડ આપ કરવામાં આવેલ હતા તેમજ પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે વિદેશી/દેશી દારૂ ભારે કાર ને જૂનાગઢ ખાતેથી પીછો કરી, વંથલી તથા મેંદરડા ખાતેથી પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં  જૂનાગઢ ખાતે ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનના રાજયકક્ષાના કાર્યક્રમના અનુસંધાને ગુન્હેગારોને અંકુશમાં લેવા જુદા જુદા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ અન્વયે કોમ્બિન્ગ કરી, કાર્યવાહી શરૂ કરવામાં આવતા, ભૂતકાળમાં પકડાયેલ ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. ભવિષ્યમાં પણ જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકીંગ અને કોમ્બિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે, એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(12:46 pm IST)