Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

વાંકાનેરના નવનિર્મિત શિવાલયમાં ચરાડવાના પૂ.દયાનંદગીરીબાપુની ઉપસ્થિતીમાં મુર્તિ પ્રતિષ્ઠાવિધી

વાંકાનેર,તા.૧૧: વાંકાનેરમાં પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે નવનિર્મિત શિવાલયમા ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા મહેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવશે. શિવજીના પ્રિય શ્રાવણ માસના પ્રથમ દિવસે નવનિર્મિત શિવાલયમાં દેવાધિદેવ મહાદેવ મહેશ્વર મહાદેવ તથા શિવ પરિવારના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા શિવલિંગ સહિત વિવિધ દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવામાં આવી. શહેરના વિછીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક ભવ્ય શિવાલયનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત શિવાલયમાં ભગવાન શિવના પ્રતિક શિવલિંગ તથા શિવ પરિવાર તેમજ હનુમાનજી, ગણપતિ સહિત વિવિધ દેવોને શાસ્ત્રોકત વિધિ વિધાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સાથે બિરાજમાન કરવા માટે ત્રીવસિય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસ એટલે કે શ્રાવણના પ્રથમ દિવસે અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ, જળયાત્રા, જલાધિવાસ, સાયમ પૂજા તથા ધાન્યા ધિવાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મહોત્સવના બીજા દિવસે સ્થાપિત દેવોનું પૂજન કુટીર હોમ , પ્રધાન હોમ , શાંતિક પૌષ્ટિક હોમ , શોભાયાત્રા તથા શૈયાધિવાસ સહિતની વિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી જયારે તા. ૧૧.૦૮.૨૧ ને ત્રીજા દિવસે બપોરે ૧૨.૦૫ વાગ્યે મૂર્તિ ન્યાસ , મૂર્તિ પૂજા , મહા અભિષેક , મૂર્તિ પ્રતિષ્ઠા ધ્વજા રોહણ , પ્રતિષ્ઠા હોમ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

બુધવારે બપોરે મહાકાળી આશ્રમ ચરાડવાના મહંત શ્રી દયાનંદગીરી બાપુની ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પરિપૂર્ણ કરવામાં આવશે. ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં બાર દંપતિને પાંચ યજ્ઞ કુંડ દ્વારા શાસ્ત્રી પુનિત મહારાજ તથા ભૂદેવોની ટીમ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે કર્મકાંડ કરાવ્યું હતું. યજ્ઞના યજમાનોમાં પૃથ્વીસિંહ પઢિયાર, ઇન્દ્રજીતસિંહ પઢિયાર , પ્રદ્યુમનસિંહ પઢિયાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા , શકિતસિંહ ઝાલા સહિતના બાર દંપતિઓ દ્વારા લાભ લઈ ધન્યતા સંપન્ન કરેલ. નવનિર્મિત મહેશ્વર મહાદેવ શિવાલયના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભુપતભાઈ પઢિયાર, રણજીતભાઇ પઢિયાર તથા જામભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:33 am IST)