Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ગોંડલમાં સરકારી તંત્રની 'એકને ગોળ એકને ખોળ' નીતિ સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં હાર્દિક પટેલ સહિતના આગેવાનો જોડાવાના હતા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૧૧ઃ વિપક્ષ વિહોણી ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકાના સત્ત્।ાધીશોએ પ્રજા પર ભૂગર્ભ ગટર વેરાનો કોરડો વીંજયો હોય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું હોય સરકારી તંત્રે મંજૂરી ન આપતા બેધારી નીતિ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, દિલીપભાઈ સોજીત્રા, કુલદીપસિંહ જાડેજા વૃષભરાજસિંહ પરમાર સહિતના કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોંડલ નગરપાલિકા એ પ્રજા પર ભૂગર્ભ ગટરનો તોતિંગ વેરો જીકયો છે જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવા તંત્ર પાસે મંજૂરી માગવામાં આવી હતી પરંતુ તંત્રએ છેલ્લી દ્યડીએ મંજૂરી ન આપી પોતાની બેધારી નીતિ સાબિત કરી છે બીજી બાજું ભાજપના આગેવાનો દ્વારા જૂથમાં એકઠા થઇ પાર્ટી લેવલનાં વિવિધ કાર્યક્રમો અપાયા હતા. જેની સામે તંત્ર મુક બની જોતુ હતું. આવેદનપત્ર સાથે ભાજપ ની ટોળાશાહીના ફોટાઓ રજુ કરી તંત્રની નીતી સામે આક્રોશ જતાવી ભાજપી સામે કાયદાકીય યોગ્ય પગલાં લેવા અંતમાં માંગ કરવામાં આવી હતી.

(11:30 am IST)