Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ભુજના કુકમા ગામે મધ્યે બાલિકા પંચાયતની ચૂંટણીમાં આજે મતદાન અને પરિણામ

ગામમાં વોર્ડ વાઇસ દીકરીઓ કરશે પ્રતિનિધિત્વ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૧ : બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાએ મહિલાઓ / દીકરીઓ માટે સમાજમાં રહેલ ભેદભાવને દુર કરી અને સમાનતા લાવવા માટે નો એક અભિયાન છે. મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે આ અભિયાન ચલાવવામાં આવે છે.

આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં માન. કલેકટરશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ નવતર પહેલના ભાગરૂપે ગ્રામ પંચાયત હેઠળ બાલિકા પંચાયતની રચના કરવામાં આવેલ છે. બાલિકા પંચાયતએ કિશોરીઓનું બનેલ એક મંડળ છે જેમાં એક સરપંચ અને તેમના હેઠળ ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ એક-એક સભ્યો છે. આ મંડળ દ્વારા ગામ મધ્યે શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી અને કિશોરીઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રે સુનિશ્યિત કરશે ઉપરાંત કિશોરીઓ મતદાન અંગેની પ્રક્રિયાથી અવગત થાય તે હેતુથી ગ્રામ પંચાયતની ચુંટણી મુજબ જ બાલિકા પંચાયતની ચુંટણીનું આયોજન કુકમા ગામ મધ્યે કરવામાં આવેલ છે.

આ બાલિકા પંચાયતની ચુંટણી અર્થે સરપંચશ્રી તેમજ સભ્યશ્રી તરીકેના પદ માટે ઉમેદવારોની નામ નોંધણી તા. ૦૨-૦૮-૨૦૨૧ થી ૦૪-૦૮-૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ હતી. જેમાં ગામની ૯ દીકરીઓએ સરપંચ પદ માટે તેમજ ૮ વોર્ડના સભ્ય પદ માટે ૨૩ દીકરીઓએ નામ નોંધણી કરાવેલ છે દરેક ઉમેદવારોને તા. ૦૫-૦૮-૨૦૨૧ થી ૧૦-૦૮-૨૦૨૧ સુધી પ્રચાર પ્રસાર અર્થેનો સમય ફાળવવામાં આવેલ. જે અંતર્ગત તા. ૦૯-૦૮-૨૦૨૧ ના રોજ ગામ મધ્યે ઉમેદવારોની સંયુકત 'જાહેર સભા' યોજવામાં આવેલ જેમાં ગામની મતદાતા દીકરીઓ ઉપસ્થિત રહેલ હતી અને દરેક ઉમેદવાર દ્વારા પોતાની રજૂઆત સાથે તેમના ચિહ્રનના નિશાનને મત આપવા અર્થે અપીલ કરેલ હતી ઉપરાંત સરપંચશ્રી દ્વારા સભા અંતર્ગત તા. ૧૦-૦૮-૨૦૨૧ ના સાંજે ૬ કલાકથી આદર્શ આચાર સંહિતા ગામ મધ્યે જાહેર કરેલ છે અને દરેક ઉમેદવારોને તેનું પાલન કરવા સૂચન કરેલ. ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર દરમિયાન 'પ્રચાર રેલી' તેમજ 'ડોર ટુ ડોર સંપર્ક' કરવામાં આવેલ અને મતદાતા દીકરીઓ સુધી પોતાની વાત પહોચાડેલ. આ બાલિકા પંચાયતની ચુંટણીનું મતદાન તા. ૧૧-૦૮-૨૦૨૧ ના રોજ કુકમા ગામ મધ્યે સવારે ૦૯ કલાક થી બપોરે ૦૨ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે તેમજ મત ગણતરી બપોરે ૦૩ કલાકેથી ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવશે તથા સાંજે ૦૫ કલાકે વિજેતા સરપંચ અને સભ્યો જાહેર કરવામાં આવશે.

(10:16 am IST)